નવી દિલ્હીઃ વર્તમાન વર્ષ 2025-26ની રવી માર્કેટિંગ મોસમમાં અત્યાર સુધીમાં ઘઉંની સરકારી પ્રાપ્તિ ગત સાલના સમાનગાળાના ત્રણ કરોડ ટન સામે 17 ટકા વધીને 3.5 કરોડ ટનની સપાટીએ રહી હતી. જોકે, વર્તમાન મોસમ માટે સરકારે 3.45 કરોડ ટનની પ્રાપ્તિનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે પાર થઈ ચૂક્યો છે એમ અનાજ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
વર્તમાન મોસમમાં ઘઉંની પ્રાપ્તિ લક્ષ્યાંકિત સપાટી પાર કરીને 3.5 કરોડ ટનના સ્તરે પહોંચી છે અને મોટાભાગના ઉત્પાદક રાજ્યોમાં પ્રાપ્તિ પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અને અન્ય કલ્યાણ યોજનાઓ માટે ઉત્પાદક રાજ્યોમાંથી લઘુતમ ટેકાના ભાવથી પ્રાપ્તિ કરવામાં આવે છે.
એકંદરે આ વર્ષે કમોસમી વરસાદ અને કરાં પડવાને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં ઉત્પાદન 12.065 કરોડ ટન જેટલું ઊંચી સપાટીએ રહ્યું હોવાથી મંડીમાં ભાવ પણ ટેકાના ભાવ કરતાં નીચા રહેતાં પ્રાપ્તિમાં વધારો થયો છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ઘઉંની સૌથી વધુ પ્રાપ્તિ પંજાબમાંથી 1.21 કરોડ ટન (1.19 કરોડ ટન)ની થઈ હતી. તેમ જ મધ્ય પ્રદેશમાંથી પણ પ્રાપ્તિ આગલી મોસમના 78 લાખ ટન સામે વધીને 1.04 કરોડ ટનની અને હરિયાણામાંથી પણ પ્રાપ્તિ વધીને ગત મોસમના 70 લાખ ટન સામે વધીને 81 લાખ ટનની થઈ હતી.
વધુમાં ઉત્તર પ્રદેશમાંથી પ્રાપ્તિ ગત સાલના 10 લાખ ટન સામે 17 લાખ ટનના સ્તરે અને રાજસ્થાન ખાતેથી પણ પ્રાપ્તિ ગત મોસમના 19 લાખ ટન સામે વધીને 24 લાખ ટનની સપાટીએ રહી હતી. સામાન્યપણે ઘઉંની પ્રાપ્તિની મોસમ એપ્રિલથી માર્ચ દરમિયાન હોય છે, પરંતુ પહેલા થોડા મહિનામાં જ પ્રાપ્તિ પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય છે.