મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મોહનલાલની સુપરહિટ સસ્પેન્સ થ્રિલર ફ્રેન્ચાઇઝીની દ્રશ્યમના ત્રીજા ભાગે થિયેટરોમાં રિલીઝ થતાંની સાથે જ ધમાકો મચાવી દીધો છે. પોતાની અદભુત અને ચોંકાવનારી વાર્તાથી દેશ-દુનિયાના સિનેપ્રેમીઓના દિલ જીતનારી ફિલ્મ 'દ્રશ્યમ ૩'ની રફ્તાર બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી અને વીકેન્ડ બાદ પણ આ ફિલ્મે વર્કિંગ ડેઝમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે એ 13મા દિવસના બમ્પર કલેક્શન પરથી સ્પષ્ટ થાય છે.
21મી મેના રીલિઝ થયેલી ફિલ્મ દ્રશ્યમ થ્રીએ બે અઠવાડિયા બાદ પણ બોક્સ ઓફિસ પર દબદબો જાળવી રાખ્યો છે. ફિલ્મના 13મા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે અંદાજે 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ 'દ્રશ્યમ 3'એ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.
ફિલ્મ દ્રશ્યમ થ્રી આ શાનદાર કમાણી સાથે જ મોહનલાલની એ પસંદગીની ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેણે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી હોય. આ પહેલા મોહનલાલની 'L2: એમ્પુરાન', 'પુલીમુરુગન' અને 'લુસિફર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પણ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચૂકી છે.
માત્ર ભારત જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ 'દ્રશ્યમ 3'નો સિક્કો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મે દુનિયાભરમાં 220 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ તો કરી લીધો છે અને ટૂંક જ સમયમાં આ આંકડો 260 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
દિગ્દર્શક જિતુ જોસેફના સચોટ માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ પરથી ફેન્સને જે અપેક્ષાઓ હતી, તેના પર ફિલ્મ ખરી ઉતરી છે. ક્રિટિક્સ અને ઓડિયન્સ બંને તરફથી મળી રહેલા પોઝિટિવ રિવ્યુઝ આ ફિલ્મની કમાણીનું મુખ્ય કારણ બન્યા છે. ફિલ્મમાં મોહનલાલની સાથે મીના, અંસીબા હસન, સિદ્દીકી, આશા શરથ, એસ્થર અનિલ, કલાભવન શાજોન અને મુરલી ગોપી જેવા કલાકારોએ પણ પોતપોતાની ભૂમિકાને બખૂબી ન્યાય આપ્યો છે. કુલ મળીને કહીએ તો, 'દ્રશ્યમ 3' બોક્સ ઓફિસ પર એક ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર હિટ બનવાની દહેલીજ પર આવીને ઉભી છે.