Wed Jun 03 2026

Logo

બલૂચિસ્તાનમાં PAK સૈનિકોએ માર્યા 17 સંદિગ્ધ આતંકી; શટલ ટ્રેન પર હુમલા બાદ કાર્યવાહી

2026-06-03 08:47:11
Author: mumbai samachar team
Article Image

PAKDEFENSE


નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષા દળોએ એક મોટી સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. સેનાએ ગયા અઠવાડિયે થયેલા ઘાતક ટ્રેન હુમલાનો બદલો લેતા 17 બળવાખોરોને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા બળવાખોરોના ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.

પાકિસ્તાની સેનાએ મંગળવારે (2 જૂન) આ સમગ્ર ઓપરેશનની માહિતી આપી હતી. સેનાએ જણાવ્યું કે બળવાખોરો પાસેથી ભારે પ્રમાણમાં વિસ્ફોટકો અને અગાઉથી તૈયાર કરાયેલા આઈઈડી (IED) પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની સેનાનું કહેવું છે કે આ વિસ્તારોમાંથી બળવાખોરોનું નામનિશાન મિટાવવા માટે આ સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે. દેશમાંથી આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાન પૂરઝડપે ચલાવવામાં આવશે.

જણાવી દઈએ કે 24 મેના રોજ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના સૈન્ય વિસ્તારમાં આતંકીઓએ એક શટલ ટ્રેન પર બોમ્બ હુમલો કર્યો હતો. આ ભીષણ બ્લાસ્ટમાં 14 લોકોના મોત થયા હતા. આ ટ્રેન બ્લાસ્ટની જવાબદારી પ્રતિબંધિત સંગઠન 'બલૂચ લિબરેશન આર્મી' (BLA) એ લીધી હતી.

ગુપ્ત માહિતીના આધારે અનેક જિલ્લાઓમાં ઓપરેશન હાથ ધરાયું

ટ્રેન હુમલાના તુરંત બાદ પાકિસ્તાની સુરક્ષા દળો હરકતમાં આવી ગયા હતા. સેનાના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે બલૂચિસ્તાનના મસ્તુંગ, નુશ્કી, જેહરી, ખુઝદાર અને કેચ જિલ્લાઓમાં મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશનો દરમિયાન સુરક્ષા દળો અને બળવાખોરો સામસામે આવી ગયા હતા. સૈનિકોએ બળવાખોરોના અનેક ઠેકાણાઓને ચારેય તરફથી ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કરી દીધો હતો.

BLA ના નેટવર્કને લાગ્યો મોટો ઝટકો

સેનાએ જણાવ્યું કે બંને તરફથી લાંબા સમય સુધી ભારે અને ભીષણ ગોળીબાર થયો હતો. આ અથડામણમાં BLAના 17 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાના જણાવ્યા મુજબ, આ બળવાખોરોનો સફાયો થવાથી આ વિસ્તારમાં સક્રિય આતંકવાદી નેટવર્કને એક મોટો અને ઊંડો ઝટકો લાગ્યો છે.