(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પ્રી-મોન્સુન શાવરની હવામાન વિભાગની આગાહીને સાચી પાડતા બુધવારે સવારના મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડી ગયા હતા, તેને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો. બુધવારે વહેલી સવારે મુંબઈના અનેક વિસ્તારમાં આકાશ કાળુ ડિંબાગ બની ગયું હતું અને વરસાદના ઝાપટાં પડયા હતા. જોકે વરસાદનું જોર પશ્ર્ચિમી ઉપનગરમાં વધુ રહ્યું હતું. ચોમાસા પહેલાના વરસાદથી એક જ દિવસમાં રાતના તાપમાનમાં લગભગ છ ડિગ્રીનો ઘટાડો થઈ ગયો હતો. બુધવારે સવારે લઘુત્તમ તાપમાન ૨૨.૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
મુંબઈ અને થાણે જિલ્લામાં સવારે ૭ વાગ્યે વાવાઝોડા, તોફાની પવન અને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ સાંતાક્રુઝ, વર્સોવા, અંધેરી, દહિસર, બાન્દ્રા અને ખાર જેવા વિસ્તારોમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો. વેધશાળાના રેકોર્ડ મુજબ મંગળવાર અને બુધવાર સવારની વચ્ચે ઉપનગરમાં સરેરાશ ૧૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ મુંબઈમાં શુષ્ક વાતાવરણ રહ્યું હતું અને નહીંવત્ વરસાદ નોંધાયો હતો.
Mumbai Rain Update : मुंबईत अचानक पावसाची हजेरी | दहिसर ते अंधेरी पावसाच्या सरी | Water-Logging#MumbaiRain #MumbaiWeather #RainUpdate #Monsoon2026 #MumbaiNews #MumbaiRains #MumbaiMonsoon #WeatherUpdate #Borivali #Dahisar #Andheri #Palghar #MaharashtraNews #BreakingNews #Mumbai pic.twitter.com/nutzmq0n2e
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) June 3, 2026
ઓટોમેટિક વેધર સ્ટેશનના રેકોર્ડ મુજબ સવારે ૭ થી ૮ વાગ્યાની વચ્ચે વર્સોવામાં સૌથી વધુ ૬૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ કૂપર હોસ્પિટલ પરિસરમાં બાવન મિલીમીટર, માલપા ડોંગરીમાં ૪૭ મિ.મી, વિલે પાર્લેમાં ૩૯ મિ.મી. અને નારિયલવાડીમાં ૩૦ મિ.મી. વરસાદ પડ્યો હતો.મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરમાં ભારે વરસાદ પડ્યો, જેમાં સાંતાક્રુઝ, વર્સોવા, અંધેરી, બાંદ્રા અને ખારનો સમાવેશ થાય છે. પશ્ર્ચિમ ઉપનગરમાં એક કલાકમાં સરેરાશ ૯.૮૪ મિ.મી. વરસાદ પડ્યો, ત્યારે પૂર્વી ઉપનગરમાં ૧.૨૫ મિ.મી. અને દક્ષિણ મુંબઈમાં ૦.૯૬ મિ.મી. વરસાદ પડ્યો.
હવામાન વિભાગ અનુસાર, ચોમાસા પહેલાનો વરસાદ કોંકણ રિજનમાં ચાલુ રહેશે. મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓ માટે છ જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.