(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેવી માહિતી રાજ્ય સરકારે અખબારી યાદી દ્વારા આપી હતી. દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં જીઆઈડીસી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ ₹1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ અંતર્ગત ભરૂચને ₹894 કરોડથી વધુના અને વલસાડને ₹169.3 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળવા જઈ રહી છે.
આ સાથે દક્ષિણ ગુજરાત વિસ્તારને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પો પણ મળશે. વડા પ્રધાનના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ અન્ય ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ પ્રકલ્પોથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીમાં વધારો થશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ મળશે.
વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન અને 27.50 કિલોમીટર લંબાઇના ગણદેવીથી એના સેક્શનનું લોકાર્પણ કરવામાં આવશે. ₹ 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આ બે પેકેજ શરૂ થવાથી આગામી સમયમાં માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે અને ભારતમાલા પરિયોજનાના લક્ષ્ય અનુસાર સ્થાનિક ઉદ્યોગો માટે લૉજિસ્ટિક્સનો ખર્ચો ઘડાટવામાં મદદ મળશે. આ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-53ના હજીરા બંદર-સુરત વિભાગ પર લગભગ ₹149 કરોડના બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.