નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃતકોમાં ગુરુગ્રામના રહેવાસી અગ્રવાલ પરિવારના આઠ સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર એક વૃદ્ધ સભ્યની તબીબી સારવાર માટે દિલ્હી આવ્યો હતો.
રાધેશ્યામ અગ્રવાલને મેકસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા
આ અંગે મળતી માહિતી મુજબ રાધેશ્યામ અગ્રવાલ ( 80) વર્ષના છે. તેમને માલવિયા નગરની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ફેફસાં સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા હતા. તેમની સંભાળ રાખવા માટે પરિવારના સભ્યો હોસ્પિટલની નજીકમાં આવેલી એક હોટલમાં રોકાયા હતા.જેથી જરૂર પડ્યે તેઓ સરળતાથી આગળ-પાછળ જઈ શકે.
હોસ્પિટલમાં તમામને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેમજ આ દુર્ઘટના સમયે રાધેશ્યામ અગ્રવાલનો 48 વર્ષીય પુત્ર વિવેક અગ્રવાલ, પુત્રવધૂ તર્જની અગ્રવાલ, પત્ની અને તેમની બે પૌત્રીઓ જીવીશા અને વાર્યા પણ હોટલમાં હતા. તેમજ એવું કહેવામાં આવ્યું છે કે આગ અને સિલિન્ડર વિસ્ફોટમાં આમાંથી કોઈ પણ વ્યક્તિ બચી શક્યું નથી. આ તમામને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અનેક પરિવાર ગુમ પ્રિયજનોને શોધી રહ્યા છે
દક્ષિણ દિલ્હીના માલવિયા નગરમાં એક હોટલમાં ભયાનક આગ લાગી હતી. જ્યારે અનેક પરિવારોએ પોતાના ગુમ પ્રિયજનોને શોધી રહ્યા છે. બચાવ અને ઓળખના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ તેમ ઘણા પરિવારો હોસ્પિટલોની બહાર ભેગા થવા લાગ્યા હતા અને પરિવારજનની જાણકારી મેળવી રહ્યા છે. એક વ્યક્તિ તેની પુત્રી અને બે પૌત્રીઓને શોધી રહ્યો હતો. તેણે કહ્યું કે પરિવારને તેમના જમાઈના મૃત્યુ વિશે જાણ કરવામાં આવી હતી,તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
તેમણે કહ્યું કે "મારી દીકરી તારિણી અગ્રવાલ 42 વર્ષની છે. તેણીને બે પુત્રી છે. એક 20 વર્ષની એન્જલ અને બીજી 17 વર્ષની છે. અમને ખબર નથી કે તેઓ ક્યાં છે. તેઓએ બિલ્ડિંગમાં એક રૂમ લીધો હતો. અમને મારા જમાઈના મૃતદેહ વિશે સમાચાર મળ્યા છે પરંતુ અમને હજુ સુધી બાકીના વિશે કોઈ માહિતી મળી નથી."
લોકોને બચાવવા સ્થાનિકોએ હોટેલની બારીઓ તોડી
દિલ્હીમાં હોટલમાં લાગી આગમાં સ્થાનિકોના કારણે અનેક લોકોનો જીવ બચ્યો હતો. સ્થાનિકોએ લોકોને બચાવવા માટે બારીઓના કાચ તોડ્યા હતા અને જમીન પર ગાદલા પાથર્યા અને ધાબળા લઈને દોડ લગાવી હતી. સ્થાનિક રહેવાસી અનિતા ચૌધરીએ જણાવ્યું હતું કે અનેક વિસ્ફોટોના અવાજ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મેં ઘણા વિસ્ફોટ જેવા અવાજો સાંભળ્યા અને પછી ઇમારતમાંથી ચીસો સંભળાતી હતી. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા અને કેટલાક પોતાને બચાવવા માટે બારીઓમાંથી કૂદી રહ્યા હતા. રહેવાસીઓ અંદર ફસાયેલા લોકોને મદદ કરવા માટે ઇમારત તરફ દોડી ગયા હતા.
રહેવાસીઓએ ધાબળા અને રજાઇ એકઠી કરી
બીજા એક પ્રત્યક્ષદર્શી સંજય ગોયલે જણાવ્યું હતું કે ધુમાડો નીકળતો જોતાં જ બધા ભેગા થઈ ગયા અને લોકોને બચાવવાના કામે લાગી ગયા હતા. અમે ઇમારતમાંથી ધૂમાડો નીકળતો જોયો અને ખ્યાલ આવ્યો કે લોકો અંદર ફસાયેલા છે. રહેવાસીઓએ ધાબળા અને રજાઇ એકઠી કરી અને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો. અમે કાચની બારીઓ તોડીને ઘણા લોકોને બચાવવામાં સફળ રહ્યા. અંદરના લોકો સતત મદદ માટે બૂમો પાડી રહ્યા હતા.