ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે કે આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર 3 દિવસ સુધી આ સત્ર મળશે. આ ટૂંકા સત્ર દરમિયાન સરકારી કામકાજ, વિધેયકો (બિલો) અને પ્રશ્નોત્તરી સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ચોમાસુ સત્રમાં પ્રજાના પ્રશ્નોને પૂરતું મહત્વ અપાશે
આ ટૂંકા સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના સરકારી વિધેયકો પણ ગૃહમાં રજૂ કરશે. આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આ ચોમાસુ સત્રમાં પ્રજાના પ્રશ્નોને પણ પૂરતું મહત્વ આપવામાં આવશે. રાજ્યના તમામ માનનીય ધારાસભ્યો પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો ગૃહમાં સારી રીતે રજૂ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અઠવાડિયા સુધી ધારાસભ્યો ઓનલાઇન પ્રશ્નો રજૂ કરી શકશે
તેમજ સત્રનું આહ્વાન થયા બાદ હવે આગામી 1 અઠવાડિયા સુધી તમામ ધારાસભ્યો ઓનલાઇન માધ્યમથી પોતાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકશે. ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા આ ઓનલાઇન પ્રશ્નો પર સત્ર દરમિયાન આવતા પ્રશ્નોત્તરી કાળમાં ગૃહમાં સત્તાવાર રીતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.