Tue May 19 2026

Logo

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર પ્રોજેક્ટ’ને નેધરલેન્ડ્સની ટેક્નોલોજીની નવી પાંખો મળી

2026-05-19 08:50:00
Author: Mumbai Samachar Team
Article Image

ફૉકસ ગુજરાત

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નૅધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નૅધરલેન્ડ્સના વડા પ્રધાન શ્રી રોબ જેટન સાથે નેધરલેન્ડ્સના વિશ્વપ્રસિદ્ધ ડેમ ‘અફસ્લુઇટડિજક’ ની મુલાકાત લીધી હતી. તેમણે આ ડેમમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલોજીને ઉદાહરણરૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, ‘અફસ્લૉટડાઇક’ અને ગુજરાતની કલ્પસર યોજના વચ્ચે અઢળક સમાનતાઓ છે.

કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગને લઈને વડા પ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ભારતના જળ શક્તિ મંત્રાલય અને નૅધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે આશયપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી યોજનાના અમલને વધુ વેગ મળશે.

અનિયમિત વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો લાંબા સમયથી સામનો કરી રહેલા ગુજરાતને સરદાર સરોવર ડેમના નિર્માણથી રાહત તો મળી છે, પરંતુ લાંબાગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ એક યોજના પર નિર્ભર રહેવું જોખમી બની શકે છે. આ કારણોસર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખંભાતના અખાતમાં મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજનાની કલ્પના કરી હતી. જોકે, આ યોજના ટેકનિકલી અત્યંત જટિલ અને પડકારજનક છે.

શું છે કલ્પસર યોજના?

કલ્પસર યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધીને સમુદ્રને મળતી સાત નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનું છે. સાથે જ, તેમાં ભરતીથી ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પરિવહન માળખાના સમકલિત વિકાસનો પણ સમાવેશ થાય છે.

કલ્પસર યોજનાથી મળશે કયા લાભ?

કલ્પસર યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. આ યોજના દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને 60 કિલોમીટર જેટલું થઈ જશે. એટલું જ નહીં, આ યોજનાથી અંદાજે 1500 મેગાવોટ પવન ઊર્જા અને 1000 મેગાવોટ સૌર ઊર્જા જેવા નવીનીકરણીય ઊર્જાના સ્ત્રોતોનું ઉત્પાદન પણ થશે. સાથે જ પ્રવાસન અને મત્સ્યઉદ્યોગના વિકાસને પણ પ્રોત્સાહન મળશે.

શું છે ‘અફસ્લૉટડાઇક’?

‘અફસ્લૉટડાઇક’ માત્ર નેધરલેન્ડ્સ જ નહીં પરંતુ વિશ્વની સૌથી પ્રસિદ્ધ એન્જિનિયરિંગ યોજનાઓમાં ની એક છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે તે વિશ્વ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. આશરે 80 વર્ષ પહેલાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ 32 કિલોમીટર લાંબો બેરિયર ડેમ ઉત્તર સમુદ્રને મીઠા પાણીના તળાવથી અલગ કરે છે. તે નેધરલેન્ડ્સના નીચાણવાળા વિસ્તારોને ગંભીર પૂરથી સુરક્ષિત કરે છે, જે તેને પૂર નિયંત્રણમાં વૈશ્વિક માપદંડ બનાવે છે. 

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ આ મુલાકાત બંને દેશોની જળ વ્યવસ્થાપન, જળવાયુ અનુકૂલન અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરવાની સંયુક્ત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત અને કલ્પસર યોજના માટે આશયપત્ર પર થયેલા હસ્તાક્ષરથી ગુજરાત માટે સુવર્ણ સંભાવનાઓના નવા દ્વાર ખુલ્યા છે. સાથે જ, નૅધરલેન્ડ્સ તેના વિશ્વપ્રસિદ્ધ ‘અફસ્લૉટડાઇક’ પ્રોજેક્ટના 90 વર્ષથી વધુના અનુભવો અને ટેકનિકલ નિપુણતાનો લાભ ભારતને આપશે.

આ સહયોગ 29 માર્ચ, 2022ના રોજ ભારત અને નેૅધરલેન્ડ્સ વચ્ચે થયેલી ‘જળ પર ભારત-ડચ વ્યૂહાત્મક ભાગીદારી’ પર આધારિત છે. નૅધરલેન્ડ્સ પાસે સમુદ્રમાં ડેમ નિર્માણની ઉચ્ચ કક્ષાની ટેકનિકલ નિપુણતા છે અને હવે ગુજરાતને આ વિશેષતાનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે, જે રાજ્યની મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સમુદ્રમાંથી ખારા પાણીને રોકે છે, જેથી અંદર મીઠા પાણીનું મોટું જળાશય બને છે. આ પ્રોજેક્ટમાં મીઠા પાણીનો સંગ્રહ, શિપિંગ, પરિવહન જોડાણ અને નવીનીકરણીય ઊર્જા ઉત્પાદનનો સમાવેશ થાય છે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હંમેશાં દીર્ઘદૃષ્ટિ અને મોટાં લક્ષ્યો સાથે લઈને આગળ વધે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે કલ્પસર યોજનાનું સ્વપ્ન જોયું હતું. રાજ્યને જળસંકટની સ્થિતિમાંથી બહાર કાઢીને જળસમૃદ્ધ બનાવવાના સંકલ્પ સાથે તેમણે સરદાર સરોવર જેવી વિરાટ યોજનાને વાસ્તવિકતા બનાવી હતી.દાયકાઓ સુધી રાજકીય અનેપર્યાવરણીય અવરોધોનો સામનો કરી રહેલી સરદાર સરોવર યોજનાને સાકાર કરવા માટે તેમણે અડગ ઇચ્છાશક્તિ અને દૃઢ સંકલ્પનો પરિચય આપ્યો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કલ્પસર યોજનાને લઈને શરૂઆતથી આશાવાદી રહ્યા છે. અનેક અડચણો હોવા છતાં તેમણે આ યોજનાને સાકાર કરવાનું સ્વપ્ન જીવંત રાખ્યું છે. જટિલ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીકલ પડકારોને કારણે યોજનામાં વિલંબ થયો હોવા છતાં, તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાનશ્રી દ્વારા ‘અફસ્લૉટડાઇક’ની મુલાકાત અને કલ્પસર યોજના માટે ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે આશયપત્ર પર હસ્તાક્ષર થવાથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન આ યોજનાને લઈને કેટલા ગંભીર અને પ્રતિબદ્ધ છે.