Sun Sep 06 2026

Logo

‘જાતીય સતામણીના કાયદાનો દુરુપયોગ મહિલાઓ માટે જ અવરોધ બની શકે’ ગુજરાત હાઈ કોર્ટની ટિપ્પણી

2026-04-20 18:02:41
Author: Devayat Khatana
‘જાતીય સતામણીના કાયદાનો દુરુપયોગ મહિલાઓ માટે જ અવરોધ બની શકે’ ગુજરાત હાઈ કોર્ટની ટિપ્પણી

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે તાજેતરમાં એક જાણીતી ડેરી કંપનીની પૂર્વ મહિલા કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. અરજદારે કંપનીની આંતરિક ફરિયાદ સમિતિના તે અહેવાલને પડકાર્યો હતો, જેમાં તેના દ્વારા ઉચ્ચ અધિકારીઓ પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા. 

આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે, જાતીય સતામણી જેવા સંવેદનશીલ કિસ્સાઓમાં કોર્ટે એ બાબતે સાવચેત રહેવું જોઈએ કે પુરુષ આરોપીઓ વિરુદ્ધ કોઈ પૂર્વગ્રહ કામ ન કરે.

અદાલતે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, જો કાયદાકીય મંચ દ્વારા ફરિયાદ કરનાર પક્ષને બેવડું રક્ષણ આપવામાં આવે તો તે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કોર્ટે અવલોકન કર્યું કે POSH એક્ટ (જાતીય સતામણી નિવારણ ધારો)ની જોગવાઈઓનો અતિશય દુરુપયોગ મહિલાઓ માટે પ્રગતિના અવરોધો દૂર કરવાને બદલે નવી 'ગ્લાસ સીલિંગ' ઊભી કરશે. આ પ્રકારનો દુરુપયોગ ખરેખર સક્ષમ અને મહેનતુ મહિલા કર્મચારીઓ માટે રોજગારીના ક્ષેત્રમાં નવા બંધનો સર્જી શકે છે, જે કાયદાના મૂળ હેતુથી વિપરીત છે.

સમગ્ર મામલાની વિગત મુજબ અરજદાર મહિલાએ આક્ષેપ કર્યો હતો કે ૨૮ મે, ૨૦૨૫ના રોજ કંપનીના બે ઉચ્ચ અધિકારીએ તેની સાથે શારીરિક અને મૌખિક ગેરવર્તન કર્યું હતું અને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. આ ફરિયાદ બાદ મહિલાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી. 

બીજી તરફ એક આરોપી અધિકારીએ વળતી ફરિયાદ કરી હતી કે મહિલાએ બદનક્ષીભર્યા પત્રો અને ફોટા ફેલાવીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ICCએ તેના અહેવાલમાં મહિલાના આરોપોને ભ્રામક ગણાવ્યા હતા અને તેના વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવાની ભલામણ કરી હતી.