અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બપોર પહેલાં જ રાજ્યના 3 તાલુકા જળબંબાકાર થઈ ગયા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી મોટો ખતરો છે. સુરત, ભરૂચ, વડોદરા બપોર પહેલાં જ જળબંબાકાર થઈ ગયા છે. સુરત ગત રાતથી જ વરસાદ શરૂ થયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત ખાડીમાં પણ જળસ્તર વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સુરતના લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો છે. વડોદરામાં 2 ઇંચ વરસાદથી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ભરૂચમાં પણ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સવારે 8 થી 10ના સમયગાળામાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે સવારે 6 થી 10ના સમયગાળામાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 4 કલાકમાં ગરુડેશ્વરમાં 5.59 ઇંચ, સાગબારમાં 5.28 ઇંચ, વસોમાં 4.88 ઇંચ, નડીયાદમાં 4.76 ઇંચ, બોરસદમાં 4.61 ઇંચ, ઉમરપાડામાં 4.57 ઇંચ, નાંદોદમાં 4.51 ઇંચ, પેટલાદમાં 4.25 ઇંચ, તિલકવાડામાં 4.06 ઇંચ, આણંદમાં 3.94 ઇંચ, મહુધામાં 3.90 ઇંચ, નેત્રંગમાં 3.58 ઇંચ, સોનગઢમાં 3.19 ઇંચ, સોજીત્રામાં 3.15 ઇંચ, ખંભાતમાં 3.03 ઇંચ, ઉકાઈમાં 3.03 ઇંચ, કઠલાલમાં 2.91 ઇંચ, ડેડિયાપાડામાં 2.72 ઇંચ, માંગરોળમાં 2.64 ઇંચ, બાલાસિનોરમાં 2.64 ઇંચ, નસવાડીમાં 2.52 ઇંચ, ડભોઈમાં 2.17 ઇંચ , સિનોરમાં 2.13 ઇંચ, વડોદરામાં 1.97 ઇંચ, અરેઠમાં 1.85 ઇંચ, તારાપુરમાં 1.77 ઇંચ, ઉચ્છલમાં 1.65 ઇંચ, ભરૂચમાં 1.57 ઇંચ, ઉમરેઠમાં 1.54 ઇંચ, ચીખદામાં 1.43 ઇંચ, હાંસોટમાં 1.42 ઇંચ, વાઘોડિયામાં 1.34 ઇંચ, અંકલેશ્વરમાં 1.30 ઇંચ, ફાગવેલમાં 1.22 ઇંચ, પાદરામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF અને ભારતીય સેના, નૌસેના તથા વાયુસેનાને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.