ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 35 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 11 સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે. જેમાં શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે.
તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી
આ ઉપરાંત હાલ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 6 પોઝિટિવ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી.
સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ ગાંધીનગર, સાબરકાંઠા -હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને શ્રેષ્ઠ અને સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દર્દીઓની સ્થિતિ પર તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
રાજ્યમાં કોઈ એક ચોક્કસ સ્થળે કે ગામમાંથી જ તમામ કેસ નોંધાયા નથી, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલે સતત સક્રિય રહીને કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે સલાહ આપેલ છે.
જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ
તેમજ પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તમામ સરકારી અને ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા ICU બેડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવી, જેથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિ અટકાવી શકાય.
રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 15 વર્ષથી નાની વયના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતાં જ રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈને કામગીરી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.