ગાંધીનગર : ગુજરાતમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. જેના લીધે હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-2026 રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.
વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે
આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. હવે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે.જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, તેવા વિસ્તારને પણ કાયદાની જોગવાઈઓ અનુસાર 'નિર્દિષ્ટ વિસ્તાર' જાહેર કરી શકાશે.
મિલકતના રક્ષણ માટે કલેક્ટર સુઓ મોટો લઇ શકે
મિલકતના રક્ષણ માટે કલેક્ટર 'સુઓ મોટો' (સ્વતઃ સંજ્ઞાન) અથવા કોઈપણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતની તબદીલી વાંધાજનક જણાશે, તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે. લોકોની આર્થિક હાડમારી દૂર કરવા માટે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે મુજબ નિર્દિષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન કે સહાય મેળવી શકશે.
સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી
તપાસ અને સલાહકાર સમિતિ: નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબતે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી છે.આ સુધારા દ્વારા રાજ્ય સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતધારકોના અધિકારોનું રક્ષણ કરી, સામાજિક સદભાવ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.