ગાંધીનગર: ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી
આ અંગે 30 જૂન, 2026ના આંકડા મુજબ ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી છે. જે દેશના તમામ રાજ્યોમાં સર્વાધિક છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યએ પવન ઊર્જામાંથી 33,706 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન કર્યું છે. જે દેશના કુલ પવન ઊર્જા ઉત્પાદનના લગભગ એક-તૃતીયાંશ જેટલું છે.
રાષ્ટ્રીય સિદ્ધિમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર
ભારતની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 57,443 મેગાવોટ સુધી પહોંચી છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન તેનું વાર્ષિક વીજ ઉત્પાદન વધીને 106 અબજ યુનિટ થયું છે. આ રાષ્ટ્રીય સિદ્ધિમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, જે ટકાઉ વિકાસ, ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો
ગુજરાતે પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્ય તરીકે સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ, રોકાણકારોને અનુકૂળ ઇકોસિસ્ટમ અને પ્રગતિશીલ નીતિઓના અસરકારક અમલના પરિણામે રાજ્ય આજે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે.
કાર્યક્ષમ વીજ પરિવહન માટેનું માળખું મજબૂત
ઉલ્લેખનીય છે કે, નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ અને નીતિગત સુધારાઓ અમલમાં મૂક્યા છે. ગ્રીન એનર્જી કોરિડોર યોજના હેઠળ નવી ટ્રાન્સમિશન લાઇનો અને સબસ્ટેશનોના વિકાસથી નવીનીકરણીય ઊર્જાના કાર્યક્ષમ વીજ પરિવહન માટેનું માળખું મજબૂત બન્યું છે.