રાજકોટ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પ્રીમિયર ઇન્ટરસિટી કનેક્ટિવિટીને વધુ મજબબૂત કરવા માટે રાજકોટ ડિવિઝનને 5 નવી વોલ્વો બસો ફાળવવામાં આવી છે. આ નવી બસોમાંથી ત્રણ બસ રાજકોટ-ભુજ રૂટ તથા બે બસ રાજકોટ-વડોદરા રૂટ પર દોડશે. આરામદાયક અને ઝડપી મુસાફરી માટે મુસાફરોની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી બસોના આગમનથી ડિવિઝનના સૌથી વ્યસ્ત એવા બે રૂટ પર વોલ્વો સેવાઓની ફ્રીક્વન્સીમાં વધારો થશે. ગયા અઠવાડિયે જ રાજકોટ ડિવિઝનને બે વોલ્વો બસો મળી હતી, જે હાલમાં રાજકોટ-વડોદરા રૂટ પર કાર્યરત છે. હવે વધુ પાંચ વોલ્વો બસોની નવી ફાળવણી સાથે, ડિવિઝનનો પ્રીમિયમ બસ કાફલો વધુ મોટો થયો છે.
છ નવી એસી બસો ઉમેરાવાની શક્યતા
સૂત્રોએ જણાવ્યું કે, ટૂંક સમયમાં રાજકોટ ડિવિઝનમાં છ નવી એસી બસો ઉમેરાય તેવી અપેક્ષા છે. આ બસોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદને જોડતા રૂટ પર દોડાવવામાં આવશે.
હાલમાં રાજકોટ ડિવિઝન રાજકોટને અમદાવાદ, વડોદરા, ભુજ, ગાંધીનગર અને નાથદ્વારા સાથે જોડતા રૂટ પર 17 વોલ્વો બસોનું સંચાલન કરે છે. આ ઉપરાંત, તે ભાવનગર, ઉના, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, મહુવા, ભુજ, મુંદ્રા અને જૂનાગઢ સહિતના રૂટો પર 20 એસી લક્ઝરી બસો ચલાવે છે.
આ ડિવિઝન રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મોરબી, જૂનાગઢ અને જામનગર સહિતના વિવિધ રૂટો પર 20 એસી ઈલેક્ટ્રિક બસોનું પણ સંચાલન કરે છે.
હાલમાં, GSRTC દ્વારા રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-વડોદરા રૂટ પર દર કલાકે વોલ્વો સેવાઓ આપવામાં આવે છે, જ્યારે મુસાફરોની વધુ ભીડના સમય દરમિયાન રાજકોટ-ભુજ રૂટ પર વધારાની વોલ્વો દોડાવવામાં આવે છે.