Mon Jun 22 2026

Logo

અયોધ્યાના શ્રી રામ મંદિર દાન ચોરીનો કેસ હાઇકોર્ટ પહોંચ્યો, સોમવારે સુનાવણીની શક્યતા

2026-06-21 22:33:47
Author: Chandrakant Kanoja
Article Image

અલ્હાબાદ : અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાન ચોરીનો કેસ હવે હાઇકોર્ટ પહોંચ્યો છે. આ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીના સમગ્ર કેસની તપાસ સીબીઆઇ અને સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ આ અંગેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. 

સોમવારે સુનાવણી માટે પીઆઈએલ સૂચિબદ્ધ 

આ અરજીમાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)દ્વારા દાનનું ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ અંગે  ઉનાળુ વેકેશન બેન્ચ સમક્ષ સોમવારે સુનાવણી માટે એક પીઆઈએલ સૂચિબદ્ધ કરવામાં આવી છે.  અરજદાર એડવોકેટ મોહિત અશોકે જણાવ્યું હતું કે તેઓ સોમવારે આ મહત્વપૂર્ણ મામલાની વહેલી સુનાવણી માટે કોર્ટને વિનંતી કરશે. તેમજ સમયના અભાવે કોર્ટ 19 જૂને કેસની સુનાવણી કરી શકી ન હતી અને હવે સુનાવણી 22 જૂને થઈ શકે છે.

રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી

અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી છે. તેમજ એસઆઇટીની ટીમ અયોધ્યાથી લખનઉ માટે રવાના થઇ છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઇટીએ 140 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી

આ અંગે મળતી માહિતી મુજબ  રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી છે. જેમાં બેંક કર્મચારી અને ટ્રસ્ટ જોડે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં છે. તેમજ 2000 કલાકના સીસીટીવીની તપાસ કરવામાં આવી અને ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત  140 પાનાનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આ મામલાને લગતા વિવિધ તથ્યો અને પુરાવાઓની વિગતો આપવામાં આવી છે.