Wed Jun 17 2026

Logo

મનમાડ-ઇન્દોર રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી! જાણો ૧૮,૦૩૬ કરોડનો માસ્ટરપ્લાન

2026-06-15 21:49:00
Author: mumbai samachar team
Article Image

મુંબઈ: ઉત્તર મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને સીધા રેલવે માર્ગથી જોડતા મનમાડ-ઇન્દોર નવા રેલવે લાઇન પ્રોજેક્ટની કામગીરી હવે ગતિ પકડી રહી છે. કેન્દ્રીય કેબિનેટે ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ આ પ્રોજેક્ટના બાકી રહેલા આશરે ૩૦૯ કિલોમીટર લાંબા હિસ્સાને મંજૂરી આપી દીધી છે અને સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે ૧૮ હજાર ૩૬ કરોડ રૂપિયાના ખર્ચને માન્યતા આપવામાં આવી છે. 

આ અગાઉ બોરવિહીર-નરડાણા વચ્ચેના આશરે ૫૧ કિલોમીટરના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થઈ ચૂકી હતી. તેથી આ ભાગ સિવાયના બાકીના રેલ્વે માર્ગ માટે આખરી મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષોથી અટકેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આના કારણે નવી ગતિ મળી છે.

મનમાડ-ઇન્દોર રેલ્વે માર્ગ નાસિક અને ધુળે જિલ્લાઓ સહિત મધ્ય પ્રદેશના બડવાની, ખરગોન, ધાર અને ઇન્દોર જેવા મહત્વના જિલ્લાઓમાંથી પસાર થશે. માલેગાંવથી મહુ વચ્ચે આ રેલ્વે માર્ગ નેશનલ હાઇવેને સમાંતર દોડશે. આ ઉપરાંત, મનમાડ જેવા મુખ્ય રેલવે જંકશન સાથે જોડાવાને કારણે દેશના વિવિધ ભાગો સાથેનો સંપર્ક વધુ સરળ બનશે, તેવી માહિતી પૂર્વ સાંસદ સુભાષ ભામરેએ  આપી હતી.

આ પ્રોજેક્ટમાં કુલ ૩૪ સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેમાંથી ૩૦ નવા સ્ટેશનો બનાવવામાં આવશે અને ચાર હાલના સ્ટેશનોનો ઉપયોગ કરવામાં આવશે. મધ્ય પ્રદેશમાં ૧૮ અને મહારાષ્ટ્રમાં ૧૬ સ્ટેશનો પ્રસ્તાવિત છે. આના કારણે ગ્રામીણ વિસ્તારોને પણ રેલ્વે નેટવર્કનો મોટો લાભ મળશે.

પ્રોજેક્ટ માટે કુલ ૧,૭૦૧ હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવશે. જેમાં ૧,૪૨૦.૫ હેક્ટર ખાનગી જમીન, ૨૪૩ હેક્ટર સરકારી જમીન અને ૩૭ હેક્ટર વન વિભાગની જમીનનો સમાવેશ થાય છે. 

મહારાષ્ટ્રના નાશિક અને ધુળે જિલ્લામાં આશરે ૭૦૯ હેક્ટર જમીન, જ્યારે મધ્ય પ્રદેશમાં અંદાજે ૯૦૫ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય પ્રદેશમાં સાત બોગદા બનાવવામાં આવશે, જેમાં સૌથી મોટો બોગદો ૬.૨ કિલોમીટરનો હશે. મહારાષ્ટ્રમાં બે બોગદા પ્રસ્તાવિત છે, જેની કુલ લંબાઈ ૩.૫ કિલોમીટર હશે.

આ ઉપરાંત, મધ્ય પ્રદેશમાં નર્મદા, ચંબલ અને દેવ નદી પર મહત્વના બ્રિજ બનાવવામાં આવશે. નર્મદા નદી પરનો બ્રિજ સૌથી મોટો હશે. મધ્ય પ્રદેશમાં ૧૩૩ અને મહારાષ્ટ્રમાં ૯૧ પુલ બનાવવામાં આવશે.