ગાંધીનગરઃ જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની કુલ-71 જગ્યાઓ માટે થોડા સમયે પહેલા અરજી મંગાવવામાં આવી હતી. જેમાં નવા સંવર્ગોનો સમાવેશ કરવામાં આવતાં કુલ-71 ના સ્થાને હવે કુલ-213 જગ્યાઓ ભરવામાં આવશે.
ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જુદી જુદી 10 જાહેરાતોની પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની તારીખમાં ફેરફાર કરવા અંગે સૂચના જાહેર કરી હતી. જેમાં આયોગે જણાવ્યું હતું કે અગાઉ જાહેર કર્યા મુજબ જે જાહેરાતોની પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની તા.26-04-2026 નિયત કરવામાં આવી હતી તેના બદલે 03-05-2026 ના રોજ સવારે 11:00 થી 01:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.
પરીક્ષાના પ્રશ્નપત્રના વિવાદ મામલે હાઇકોર્ટે GPSCની આકરી ઝાટકણી કાઢી
પરીક્ષાના પ્રશ્નપત્રના વિવાદના મામલે હાઇ કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં ગુરુવારે ન્યાયાધીશ નિર્ઝર દેસાઈએ GPSCની ભારે ઝાટકણી કાઢી હતી. કોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ કેસની સુનાવણીમાં હાઇ કોર્ટે GPSCના એડવોકેટને જસ્ટિસ દેસાઇએ સીધો સવાલ કર્યો હતો કે તમારી એફિડેવિટ ક્યાં છે. તમે હંમેશાં આવું જ કેમ કરો છો. તમે અગાઉ જે નિવેદન કર્યું હતું એ મુજબનો ઠરાવ ક્યાં છે. તમારા સેક્રેટરી આ કોર્ટનું સીટીંગ પૂરું થવાની વાટ જોઇ રહ્યા છો. તમારા ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં બોલાવવાથી કોર્ટ ખચકાશે નહીં. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે અને કોર્ટના વારંવાર કહેવા છતાંય શા માટે સોગંદનામું કરતા નથી. શા માટે તેમની વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ના પાઠવવામાં આવે.
નોંધપાત્ર છે કે અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો આ મામલો છે. જેમાં હાઇ કોર્ટે અગાઉ આદેશ કર્યો હોવા છતાંય GPSC યોગ્ય જવાબ આપી રહી નથી. તેથી અગાઉ તો હાઇ કોર્ટે GPSCના સોગંદનામાને આંખમાં ધૂળ નાંખવા સમાન પણ ગણાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેમ છતાંય 20મી માર્ચના આદેશમાં હાઇ કોર્ટે GPSCને એક વધુ તક આપી હતી અને સ્પષ્ટ સોગંદનામું કરવાનું કહ્યું હતું. હાઇ કોર્ટે આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે સોગંદનામામાં જણાવવામાં આવે કે વેબસાઇટ ઉપરથી કોઇ ડાઉનલોડ કરેલા મટિરિયલને ઓથેન્ટિકેટ કરવા અંગેની કોઇ નીતિ છે કે કેમ. અને જો આવી કોઇ નીતિ ન હોય તો કયા આધારે. આ કેસમાં જે પુસ્તકનો આધાર લેવાયો છે એને ઓથેન્ટિકેટેડ ગણવી. હાઇ કોર્ટે કરેલા 16 અને 20 માર્ચના રોજના આદેશ મુજબનું GPSCએ સોગંદનામું કર્યું નહોતું અને તેથી ગુરુવારે કોર્ટે ફરી એકવાર ભારે નારાજગી દર્શાવી હતી. કોર્ટે એક તબક્કે એવી ટકોર પણ કરી હતી કે GPSC અત્યંત વિશાળ સંસ્થા હોવાનો તમારો દાવો છે. તે વર્ષે 200 એટલે કે દર બીજા દિવસે એક પરીક્ષા લે છે. તેમ છતાંય આ બધાની જવાબદારી લેવા તમે તૈયાર નથી.