Sat Aug 29 2026

Logo

કાચા રૂ પરની આયાત જકાત દૂર કરવા સરકારની સલાહ-મસલત આગોતરા તબક્કામાં

2026-05-25 20:06:13
Author: Ramesh Gohil
કાચા રૂ પરની આયાત જકાત દૂર કરવા સરકારની સલાહ-મસલત આગોતરા તબક્કામાં

નવી દિલ્હીઃ કાચા રૂની આયાત પર લાદવામાં આવતી 11 ટકા જકાત નાબૂદ કરવાની ઉદ્યોગની માગણી અંગે સરકારની સલાહ-મસલત સાથેની વિચારણાઓ આગોતરા તબક્કામાં છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. 

નાણાં, ટેક્સ્ટાઈલ અને કૃષિ મંત્રાલય આપસમાં આયાત જકાત દૂર કરીને સ્થાનિક કંપનીઓ પરનું ઊંચા ભાવલક્ષી દબાણ દૂર કરવા બાબતે ચર્ચા કરી રહ્યા છે. અમે નાણાં અને કૃષિ મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ અને સલાહમસલતનો આ દોર આગોતરા તબક્કામાં છે અને અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે પીટીઆઈને જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે એપરલ ઉદ્યોગ અને નિકાસકારોનાં પ્રતિનિધિમંડળે ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન સહિત ઘણાં કેન્દ્રીય પ્રધાનોની મુલાકાત લીધી હતી અને આયાત જકાત દૂર કરવાની માગણી કરી હતી. પ્રતિનિધિમંડળે દલીલ કરી હતી કે વર્તમાન વર્ષ 2025-26ની રૂ મોસમ માટે ઉદ્યોગને અપેક્ષિત 337 લાખ ગાંસડી રૂની આવશ્યકતા છે, જ્યારે મોસમ દરમિયાન આવકનો અંદાજ 292.15 લાખ ગાંસડીનો મુકાઈ રહ્યો છે તે જોતા માગ અને પુરવઠા વચ્ચે 45 લાખ ગાંસડીનો તફાવત રહેવાનો અંદાજ છે. 

આમ આ માગ અને પુરવઠા વચ્ચેનો ખાંચરો અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કાચા માલની અનુપલબ્ધિ તથા ઊંચા ભાવ સ્પિનિંગ મિલો અને ડાઉનસ્ટ્રીમ ટેક્સ્ટાઈલ ઉત્પાદકો પર દબાણ લાવી રહ્યા છે.