Wed Sep 30 2026

Logo

ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચ બેસ્ટ કે AI?

2026-09-13 10:05:00
Author: Viral Rathod
ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચ બેસ્ટ કે AI?

 

 

 

પરિણામથી લઈને પ્રોસેસ સુધીનાં દરેક પગલામાં છે મોટો તફાવત

 

- વિરલ રાઠોડ

 

ઈન્ટરનેટ પર કોઈપણ વિષયને સર્ચ કરવાની શૈલી બદલાઈ રહી છે. ખાસ કરીને મોબાઈલમાં AI ટુલ્સ આવતા સર્ચ કરવા માટેનો એક બેસ્ટ વિકલ્પ મળી રહ્યો છે. કઠિન સવાલના સરળ ભાષામાં જવાબ અને યોગ્ય વેબસાઈટની લિંકથી ઘણા કામ કરવા હવે ગણતરીની મિનિટનો ખેલ છે. ઘણીવાર એવો સવાલ થાય : ગૂગલ સર્ચ બેસ્ટ છે કે AI.? 

 

ભરસોપાત્ર પરિણામ ક્યુ એ પણ મુદ્દો છે, હકીકતથી ખૂબ નજીક હોય એવી લિંક્સ અને માહિતી દરેક વ્યક્તિ સ્વીકારે છે. ઈન્ટરનેટ શરૂ થયાને સતત 25 વર્ષ સુધી સર્ચ કરવા માટેનો એકમાત્ર બેસ્ટ વિકલ્પ ગૂગલ સર્ચ હતું. આ સાથે બીજી સર્ચ એન્જિન વેબસાઈટ તો હતી જ, છતાં સૌથી વધારે ભરોસો લોકોને ગૂગલ સર્ચ પર રહ્યો છે. ગૂગલ પર કીવર્ડ દ્વારા સર્ચ કરવું, નીચે આવતી લિંકસની લિસ્ટમાં જવાબ શોધવા આ એક પરંપરાગત શૈલી હતી. 

 

હવે આ રીતમાં પરિવર્તન આવી રહ્યું છે. ખાસ કરીને યુવાવર્ગમાં, લોકો ડાયરેક્ટ જે તે સવાલ કરીને સીધા જ AI ટૂલ્સ પર જવાબ મેળવે છે.

 

 મુદ્દો પરિણામની વિશ્વસનીયતા પર આવીને અટકે છે. આ માટે પણ હવે લોકો જે તે પુસ્તકનો સંદર્ભ ચકાસે છે અને જે તે મીડિયા રિપોર્ટને ટાંકીને એક સરસ પોતાનો રિપોર્ટ તૈયાર કરે છે. ચેટજીપીટી, પરપ્લેક્સસિટી, ગૂગલ જેમિની, ડિપસેક, ઓપન એઆઈ જેવા ટુલ્સની એપ્લિકેશન મોબાઈલ પર આવતા હવે સર્ચ કરવા માટે ભાગ્યે જ કોઈ સાઈટ સુધી પહોંચે છે. કમ્પ્યુટર કે લેપટોપ જેવી સિસ્ટમ પર બેઠેલા લોકો હજુ ફર્સ્ટ ચોઈસ ગૂગલ સર્ચને આપે છે. ગૂગલમાં પણ હવે પહેલા AIમાં સર્ચ થાય છે અને પછી લિંક્સનું લિસ્ટ આવે છે. ગૂગલે પણ હવે ડાયરેક્ટ લિંક આપવાનું બંધ કરી દીધું છે. જોકે ગૂગલ સર્ચ અને AIની સર્ચ પેટન્ટ બિલકુલ અલગ છે. ગૂગલ સર્ચ આજે પણ કીવર્ડ બેઝ્ડ સિસ્ટમને અનુસરે છે. જ્યારે કોઈ સવાલ ટાઈપ કરવામાં આવે છે તો ગૂગલ પહેલા લાગતા-વળગતા અને સૌથી વધુ એને સર્ચ રૂપે મળેલા શબ્દો જેમાં હોય તે વેબપેજ સર્ચ કરે છે. ઘણીવાર પરિણામમાં જે તે શબ્દ ન હોય એના નજીકનો શબ્દ હોય તો પરિણમમાં નીચે એ શબ્દને ભૂંસાયેલો પણ બતાવે છે.

 

AI સર્ચ એક લેંગ્વેજ મોડલ છે. ટૂલ્સ પહેલાં ઈન્ટરનેટ પર રહેલી તમામ સંબંધિત જાણકારીને ભેગી કરે છે. આ માટે ટુલ્સ પોતે અલગ અલગ વેબસાઈટમાં જઈને સર્ચ કરે છે. એટલા માટે આપણે કોઈ જુદી જુદી સાઈટમાં અંદર જવાની જરૂર પડતી નથી. ઘણીવાર તે જે તે રિસોર્સની લીંક પણ આપી દે છે. આ એ જ લિંક હોય જેમાં સર્ચ કરવા માટે આપેલા વિષયની મહત્તમ જાણકારી હોય. જવાબ રૂપે આપેલી માહિતીને તે લિંક સાથે મેચ પણ કરી શકાય છે.

 

હવે આવે છે વાત ભાષાની. ગૂગલમાં જે ભાષામાં સર્ચ કરો એ જ ભાષામાં જવાબ મળે. AIમાં પણ એવું જ છે પણ તફાવત ત્યાં છે જ્યારે AIમાં તે ચોક્કસ ફોર્મેટને અનુસરે છે. ગૂગલમાં આવું કોઈ ફોર્મેટ નથી આવતું. તે લિંક્સનો ઢગલો કરી દે છે અને પછી એમાંથી સર્ચ આપણે કરવું પડે છે. જ્યારે AI ડાયરેક્ટ જે તે ભાષામાં જવાબ આપે છે. જોકે ટેક એક્સપર્ટ એવું કહે છે કે, બને ત્યાં સુધી અંગ્રેજીમાં જ સર્ચ કરવું જોઈએ, જેથી દુનિયાભરની વિગતનો એક મોટો અવકાશ મળી રહે. પછી તેનું સરળતાથી ભાષાંતર તો કરી જ શકાય છે. 

 

AIના સર્ચનું જોખમ એ છે કે, તે ક્યારેક ભરાવી પણ દે છે. ખોટી એવી વિગત આપી દે છે કે, આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ તો ખોટું પડે. ચેટજીપીટી અને જેમિની જેવા ટૂલ્સ નીચે લખેલું આવે છે કે, `ટૂલ્સ ભૂલ કરી શકે છે એટલે ધ્યાન રાખીને સર્ચ કરવું.' ભ્રામક જાણકારી પણ તે ભરોસાપાત્ર રીતે એવી રીતે આપી દે છે કે ઘડીકમાં લાગતું નથી કે, આ ખરેખર શું છે. ગૂગલ સર્ચમાં યુઝર જુદા-જુદા રિસોર્સને ચકાસી શકે છે. AIમાં આવેલા જવાબમાં કોઈ સોર્સ નથી દેખાતા. જે લિંક તે આપે છે એ એક જ રિસોર્સની હોય છે. સંવેદનશીલ માહિતી અને એક્યુસેરીના મામલે હજુ પણ એક વર્ગ એવો છે જે અખબાર, પ્રિન્ટ મીડિયા, પુસ્તકો અને સંદર્ભ ગ્રંથનો સહારો લે છે. 

 

હવે સવાલ થાય કે, બેસ્ટ ક્યું? એડે્રસ, દુકાનનો સમય, ઓફિશિયલ વેબસાઈટ, લિંક, ફેક્ટચેક માટે ગૂગલ સર્ચ બેસ્ટ છે. રિસર્ચ, ડેટા પ્રોડક્શન, તુલના, ઈન્ફોગ્રાફિક્સ, મલ્ટિમીડિયા એ માટે AI બેસ્ટ છે.     

 

આઉટ ઓફ ધ બોક્સ

 

એન્ડ્રોઈડનો લોગો ગ્રીન રોબોટ છે જે વર્ષ 2007માં રોલઆઉટ કરાયો હતો.