સ્થાનિકમાં ચાંદી રૂ. 2953 તૂટી, નબળા રૂપિયે સોનામાં રૂ. 316નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સાથે આજે વિશ્વ બજારમાં પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ સપાટી પર આવ્યો હતો અને બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવી જવાથી ફુગાવો વધવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ ઓસરી જવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2953 ઘટી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવન પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ સાધારણ રૂ. 315થી 316નો ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ ઉપરાંત સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની ખરીદી પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2953ના ઘટાડા સાથે રૂ. 2,36,981ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયો બાવન પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતાં ભાવઘટાડો મર્યાદિત રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ ભાવ 315ના ઘટાડા સાથે રૂ. 1,49,410 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 316ના ઘટાડા સાથે રૂ. 1,50,011ની સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ગત સાતમી એપ્રિલ પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4719.54 ડૉલર આસપાસ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ એક ટકાના ઘટાડા સાથે 4741.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ બે ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 74.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણા પડી ભાંગ્યા બાદ આજે અમેરિકી લશ્કરે જણાવ્યું હતું કે તેઓ ઈરાનના બંદરોમાં પ્રવેશતા અને બહાર જતાં જહાજોને અવરોધશે, જ્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપતા જણાવ્યું હતું કે હોર્મુઝ બંદર તરફ આવી રહેલા લશ્કરી જહાજોને અમે બે સપ્તાહના યુદ્ધવિરામનો ભંગ ગણીશુ અને તેમનો સામનો કરવામાં આવશે. આમ શાંતિ મંત્રણાની 21 કલાકની મેરેથોન બેઠક અનિર્ણાયક રહેતાં ક્રૂડતેલ અને ડૉલરમાં ઉછાળો આવ્યો હોવાથી સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક ઝેઈન વાવદા એ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા અને ડૉલર ઈન્ડેક્સ પણ વએક સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલો કરતાં યુદ્ધના મંડાણ થયા હતા અને ક્રૂડતેલના ભાવ વધવાથી ફુગાવામાં થનારી અપેક્ષ્તિ વૃદ્ધિને ધ્યાનમાં લેતા ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 10 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.
વધુમાં આજે પુનઃ ક્રૂડતેલના ભાવ વધી આવતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષ દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉન્ટનો કાપ મૂકે તેવી માત્ર 16 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા, જ્યારે ગત શુક્રવારે 21 ટકા શક્યતા મૂકાઈ રહી હતી.