Wed Jun 24 2026

Logo

મની લોન્ડરિંગના કેસમાં ‘ગૉડમૅન’ ખરાત 26 મે સુધી ઈડીની કસ્ટડીમાં

2026-05-20 17:02:38
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: મહિલાઓની જાતીય સતામણીના કેસમાં ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતને વિશેષ પીએમએલએ કોર્ટે બુધવારે 70 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં 26 મે સુધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) કસ્ટડી ફટકારી હતી.

બળાત્કાર અને છેતરપિંડીના આરોપનો સામનો કરતા ખરાતની ઈડીએ મંગળવારે મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી હતી. બુધવારે ખરાતને કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. તપાસ કરતી કેન્દ્રીય એજન્સીએ વિગતવાર તપાસ માટે ખરાતની 10 દિવસની કસ્ટડીની માગણી કરી હતી.

અશોક ખરાત વિરુદ્ધ નાશિક પોલીસે ઘેનની દવા આપી મહિલાઓ સાથે દુષ્કર્મ, છેતરપિંડી અને ખંડણી સંબંધી અનેક ગુના નોંધ્યા પછી આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી છઠ્ઠી એપ્રિલે ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ ગુનો નોંધ્યો હતો..

નાશિકની પરિણીત મહિલા સાથે ત્રણ વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં નાશિક પોલીસે 18 માર્ચે ખરાતની ધરપકડ કરી હતી. બાદમાં અન્ય મહિલાઓ પણ ખરાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સામે આવી હતી. એ સિવાય શિર્ડીમાં જમીન પચાવી પાડવાનો પણ ગુનો નોંધાયો હતો.

ખરાતે બેનામી બૅન્ક ખાતાંના માધ્યમથી ખંડણી અને 70 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનું રૅકેટ ચલાવ્યું હોવાની શક્યતાને આધારે ઈડીએ તપાસ હાથ ધરી હતી. ખરાતે અહિલ્યાનગર જિલ્લામાંની સમતા નાગરી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં એક જ દિવસમાં 60 ખાતાં કથિત રીતે ખોલાવ્યાં હતાં. જેમના દસ્તાવેજોને આધારે આ ખાતાં ખોલાવ્યાં હતાં, જેમની સંમતિ લીધી નહોતી અને આ ખાતાંના માધ્યમથી 70 કરોડ રૂપિયાથી વધુના વ્યવહાર કર્યા હતા, એવું તપાસમાં સામે આવ્યું હતું. (પીટીઆઈ)