Tue Oct 06 2026

Logo

નવસારીમાં યુવાનોને પોલીસની મજાક ભારે પડી, માફી માંગવી પડી

2026-06-24 19:04:05
Author: Chandrakant Kanoja
નવસારીમાં યુવાનોને પોલીસની મજાક ભારે પડી, માફી માંગવી પડી

નવસારી  :  ગુજરાતના નવસારીમાં રીલ બનાવવાના ઉત્સાહમાં યુવાનો દ્વારા કાયદો તોડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ કેટલાક યુવાનોએ પોલીસની પેટ્રોલિંગ કરતી પીસીઆર વાન પાછળ કાર ચલાવીને કાયદાનો ભંગ કર્યો હતો. તેમજ પોલીસની કામગીરીની  મજાક ઉડાવતો એક વીડિયો શૂટ કર્યો અને તેને વાઇરલ કર્યોહતો. જોકે, આ વિડીયો વાઇરલ થતાં જ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ આ લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. જેથી ભવિષ્યમાં કોઈ કાયદાની મજાક ઉડાવવાની હિંમત ન કરે.

નવસારી પોલીસ અમને એસ્કોર્ટ કરી રહી છે

આ વિડીયોમાં યુવાનોએ એવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે, નવસારી પોલીસ તેમને વિશેષ સુરક્ષા અથવા વીઆઇપી એસ્કોર્ટ આપી રહી છે.  તેમજ એક યુવાન અંગ્રેજીમાં જણાવી રહ્યો છે કે નવસારી પોલીસ અમને એસ્કોર્ટ કરી રહી છે. અમે મજાક કરી રહ્યા છીએ પરંતુ અમારું સ્ટેટ્સ જ કંઇક એવું છે. 

યુવાનોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી

જોકે, આ મામલાને ગંભીરતાથી લેતા  પોલીસે સંડોવાયેલા યુવાનોને શોધી કાઢ્યા હતા અને તેમની કડક પૂછપરછ કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ યુવાનોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. તેમજ જાહેરમાં માફી માંગતી વખતે જણાવ્યું હતું કે  તેમનો મજાક કરવાનો ઈરાદો નહોતો.