મુંબઈ: બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફના ઘરે ગત વર્ષે કિલકારી ગુંજી હતી. કપલે નવેમ્બર 2025માં તેમના વ્હાલસોયા દીકરા 'વિહાન'નું દુનિયામાં સ્વાગત કર્યું હતું. ફેન્સ હજી સુધી વિહાનનો ચહેરો જોવા માટે આતુર છે, ત્યાં જ હવે તેના દાદા અને જાણીતા એક્શન ડાયરેક્ટર શામ કૌશલે એક મોટો ખુલાસો કર્યો છે કે વિહાન આખરે કોના જેવો દેખાય છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે શામ કૌશલને પૂછવામાં આવ્યું કે તેમનો પૌત્ર કોના જેવો દેખાય છે? ત્યારે તેમણે ખુશ થઈને જવાબ આપ્યો કે, મને એવું લાગે છે કે વિહાન તેના પપ્પા એટલે કે વિક્કી કૌશલ જેવો વધારે દેખાય છે.
પૌત્ર સાથેના પોતાના ખાસ બોન્ડિંગ વિશે વાત કરતા દાદા શામ કૌશલે ભાવુક થઈને કહ્યું કે હતું કે વિહાનના આવવાથી મારી જિંદગી બદલાઈ ગઈ છે. જ્યારે પણ હું કામમાં વ્યસ્ત હોઉં અને તેને મળી શકતો નથી, ત્યારે હું વીડિયો કોલ દ્વારા તેની સાથે કલાકો સુધી વાતો કરું છું. તે ખૂબ જ ક્યૂટ છે અને આ ખુશી માટે હું ભગવાનનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
આ વાતચીત દરમિયાન શામ કૌશલે વિક્કી કૌશલના બાળપણના દિવસો પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે વિક્કી નાનપણમાં બિલકુલ નટખટ કે તોફાની નહોતો, પણ ખૂબ જ ડાહ્યો દીકરો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, દુનિયામાં એવા ઘણા માતા-પિતા છે જેમના બાળકો ખૂબ સારા હોય છે, હું પણ એ નસીબદાર પિતાઓમાંથી એક છું. મારા બંને દીકરા વિક્કી અને સની અને મારી વહુ કેટરીના કૈફ ખૂબ જ સારા છે. હું ઈશ્વરનો આજીવન આભારી રહીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ, નવેમ્બર 2025માં તેઓ માતા-પિતા બન્યા અને ચાલુ વર્ષે 7 જાન્યુઆરીએ તેમણે સોશિયલ મીડિયા પર દીકરાનું નામ 'વિહાન કૌશલ' રાખ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
વાત કરી વિક્કી કૌશલ અને કેટરિના કૈફના વર્ક ફ્રન્ટની તો વિક્કી છેલ્લે પિરિયડ ડ્રામા ફિલ્મ 'છાવા'માં છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. હવે તેઓ ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લવ એન્ડ વૉર'માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જ્યારે કેટરીના કૈફ છેલ્લે સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ 'મેરી ક્રિસમસ'માં જોવા મળી હતી. હાલમાં તે મધરહૂડ એન્જોય કરી રહી છે.