Tue Sep 15 2026

Logo

રાષ્ટ્રીય સ્તરની એડમિશન એક્ઝામમાં ભાજપના નેતાની દીકરી આખા દેશમાં ટોપ પર.....

2026-06-24 12:42:00
Author: Vimal Prajapati
રાષ્ટ્રીય સ્તરની એડમિશન એક્ઝામમાં ભાજપના નેતાની દીકરી આખા દેશમાં ટોપ પર.....

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET UG) 2026 ના પરિણામોમાં દિલ્હીના પૂર્વ પ્રધાન અને ભાજપના વર્તમાન નેતા કૈલાશ ગેહલોતની દીકરી દેવિના ગેહલોતે (Devina Gahlot) મોટી સફળતા મેળવી છે. દેવિનાએ 1250 માંથી 1232.19 ગુણ મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન (All-India Topper) હાસિલ કરીને ઇતિહાસ રચી દીધો છે.

દેવિનાએ કુલ પાંચ વિષયોમાં પરીક્ષા આપી હતી અને તમામમાં તેનું પ્રદર્શન અત્યંત શ્રેષ્ઠ રહ્યું હતું. તેણે દેશના 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. ઇકોનોમિક્સ / બિઝનેસ ઇકોનોમિક્સમાં ૧૦૦ પર્સન્ટાઈલ, પોલિટિકલ સાયન્સમાં 100 પર્સન્ટાઈલ, સાયકોલોજી (મનોવિજ્ઞાન)માં 100 પર્સન્ટાઈલ, અંગ્રેજીમાં 99.99 પર્સન્ટાઈલ અને ફાઇન આર્ટસ / વિઝ્યુઅલ આર્ટસમાં 99.91 પર્સન્ટાઈલ લાવ્યાં છે.

વિષયવાર મેળવેલા માર્ક્સની વિગતે વાત કરવામાં આવે તો, સાયકોલોજીમાં 250 માંથી 250 માર્ક્સ, ઇકોનોમિક્સ / બિઝનેસ ઇકોનોમિક્સમાં 249.53, પોલિટિકલ સાયન્સમાં 249.58, અંગ્રેજીમાં 241.95 અને ફાઇન આર્ટસમાં 241.11 માર્ક્સ મેળવ્યાં છે. 

સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ભણવાનું છે સપનું

દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS), વસંત કુંજની વિદ્યાર્થિની દેવિના શરૂઆતથી જ ભણવામાં તેજસ્વી રહી છે. આ પહેલા તેણે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં પણ 99.2 ટકા મેળવ્યા હતા. હવે તે દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છે છે.

પોતાની આ ખુશી વ્યક્ત કરતા દેવિનાએ જણાવ્યું કે, ‘આ પરિણામ મારા માટે એક સપનું સાકાર થવા જેવું છે. પરિણામ જોતા જ મને સૌથી પહેલા મારા માતા-પિતાનો વિચાર આવ્યો, જેમણે મુશ્કેલ સમયમાં પણ મારા પર ભરોસો રાખ્યો અને મને સતત પ્રોત્સાહિત કરી. મારી આ સફળતા મારા પરિવારની અતૂટ મહેનતને આભારી છે."

પરિણામોમાં જોવા મળી ભારે સ્પર્ધા

આ વર્ષે CUET-UG પરીક્ષા માટે 15.68 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 11.64 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. NTA દ્વારા આ વખતે પરીક્ષા પૂરી થયાના માત્ર 16 દિવસમાં જ પરિણામ જાહેર કરી દેવાયું છે, જે ગયા વર્ષ કરતાં 12 દિવસ વહેલું છે. દેશભરમાં આ એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ (UG) કોર્સમાં એડમિશન આપવામાં આવે છે. આ વર્ષે ટોપર્સ વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી, જેમાં સક્ષમ ગોયલ 1230.82 ગુણ સાથે બીજા ક્રમે અને હિમાચલ પ્રદેશનો ઉદિત ચતુર્વેદી 1207.21 ગુણ સાથે ત્રીજા ક્રમે રહ્યો છે.