સારંગપ્રીત
ગત અંકમાં બુદ્ધિયોગની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ શાંતિનું મૂળ શરણાગતિ બતાવે છે.
આજનો માણસ કદાચ ઇતિહાસમાં સૌથી વધુ સુવિધાઓ ધરાવે છે, પણ સૌથી વધુ બેચેન પણ છે. ઘડિયાળ પહેલાં માણસને ચલાવતી હતી, હવે માણસ ઘડિયાળના કેદી બની ગયો છે. મોબાઇલ હાથમાં છે, પણ મન હાથમાંથી સરકી ગયું છે. માહિતીની ભરમાર છે, પણ અંતરમાં જ્ઞાનનો અભાવ છે.
અહીંથી પ્રશ્ન ઊભો થાય છે, શું આપણે વિકાસ કર્યો છે કે માત્ર ઝડપ વધારી છે? આધુનિકતા આપણને સુવિધા આપે છે, પરંતુ સુખ નહીં. કારણ કે સુખનું મૂળ બહાર નથી, અંદર છે. આજે માણસ બહારના અવાજોથી ઘેરાયો છે: સોશ્યલ મીડિયા, સમાચાર, સ્પર્ધા, અપેક્ષાઓ દરેક ક્ષણે કોઈક આપણને કહે છે કે આપણે પૂરતા નથી. અને આ સતત દોડમાં સ્વ માટે સમય મળતો નથી અને મન થાકતું જાય છે.
એક વ્યાપારી સતત કામમાં વ્યસ્ત રહેતો. દિવસ-રાત કમાણી, મીટિંગ્સ, ફોન એક દિવસ તેણે પોતાના બાળકને પૂછ્યું, ‘તને શું જોઈએ?’ બાળક બોલ્યું, ‘પપ્પા, મને તમારો સમય જોઈએ.’ તે ક્ષણે તેને સમજાયું કે તે જીવન જીવી રહ્યો નહોતો, જીવનની પાછળ છોડી દોડતો હતો.
પણ શાંતિ એટલે દોડમાંથી ભાગી જવું નહીં; શાંતિ એટલે દોડની વચ્ચે પોતાની અંદરની સ્થિરતા શોધવી. સમુદ્રની સપાટી પર તરંગો હોય છે, પરંતુ ઊંડાણમાં નિરવતા હોય છે. જીવન પણ એવું જ છે. બહાર ઉથલપાથલ હોય તો ચાલે, અંદર શાંત સરોવર હોવું જોઈએ.
આજના સમયમાં આપણે બધું ઝડપથી મેળવવા માગીએ છીએ. ફાસ્ટ ફૂડ, ફાસ્ટ ઇન્ટરનેટ, ફાસ્ટ સફળતા... પણ શાંતિ ‘ફાસ્ટ’ નથી. તે ધીમે ધીમે ઉગતી કળ છે, જેમ બીજ જમીનમાં વાવ્યા પછી ઘણા સમય બાદ વૃક્ષ બને છે. આધુનિક માણસને સૌથી વધુ જરૂર છે, થોભવાની. થોડા ક્ષણો માટે સ્ક્રીન બંધ કરીને પોતાના શ્વાસ સાથે જોડાવાની. થોડા ક્ષણો માટે પોતાના મનને સાંભળવાની. કારણ કે બહારની દુનિયા જેટલી મોટી લાગે છે, અંદરની દુનિયા એટલી જ વિશાળ છે.
હા, માણસ બહાર શાંતિ શોધે છે, પ્રવાસમાં, સંપત્તિમાં, પ્રતિષ્ઠામાં, પરંતુ શાંતિ કોઈ સ્થાન નથી; તે એક સ્થિતિ છે. જેમ તરસેલા માણસને દરિયો પીવાથી તરસ શમતી નથી, તેમ વિષયોના અતિરેકથી મન શાંત થતું નથી. ઉપનિષદો કહે છે ‘આત્માની શાંતિ શબ્દોમાં નહીં’, અનુભૂતિમાં મળે છે.
ભગવદ્ ગીતા આ અશાંત મન માટે અદ્ભુત માર્ગદર્શન આપે છે. અર્જુનના રૂપમાં આખું માનવવૃંદ ઊભું છે, મૂંઝાયેલું, ડરેલું, નિર્ણયવિહીન અને શ્રીકૃષ્ણનો ઉત્તર છે- શરણાગતિ. આનાથી પરમ શાંતિની ગેરંટી ભગવાન આપે છે. હા, આ શરણાગતિ અનન્ય હોવી જોઈએ. આ માત્ર શ્ર્લોક નથી; જીવનનું અંતિમ તત્ત્વ છે. જ્યારે માણસ પોતાના અહંકારનો ભાર ભગવાનના ચરણોમાં મૂકે છે, ત્યારે જ મન હળવું થાય છે.
શરણાગતિ એટલે પરાજય નહીં; તે સર્વોચ્ચ વિજય છે. દુનિયા શીખવે છે, નિયંત્રણ રાખો, બધું પોતે સંભાળો. ગીતા શીખવે છે, નિયંત્રણ છોડો, ભગવાનને સંભાળવા દો. આ વિપરિત લાગતું તત્ત્વ જ આંતરિક મુક્તિનું દ્વાર છે. એક નદી પર્વતોમાં ગર્જે છે, ખડકો સાથે અથડાય છે. પરંતુ જ્યારે તે સમુદ્રમાં સમર્પિત થાય છે, ત્યારે તેની ગર્જના મૌનમાં પરિવર્તિત થાય છે. માણસ પણ એવો જ છે. જ્યાં સુધી ‘હું’નો ભાર છે, ત્યાં સુધી ઉથલપાથલ છે; જ્યાં તું ભગવાન આવે છે, ત્યાં શાંતિ જન્મે છે.
વસ્તુત: શાંતિ કોઈ તકનિકી નથી; તે સંબંધ છે, ભગવાન સાથેનો. જ્યારે જીવ સમજશે કે હું એકલો નથી, મારી પાછળ દૈવી શક્તિ છે, ત્યારે ભય ઓગળી જાય છે. અને જ્યાં ભય ઓગળે છે, ત્યાં શાંતિ જન્મે છે. મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે ‘શાંતિ કોઈ સિદ્ધિ નથી; તે સમર્પણ છે. આ સમર્પણ અને શરણાગતિમાં જ મુક્તિ છે.’
આ અશાંત યુગમાં કદાચ બહારની દુનિયા બદલાશે નહીં. પરંતુ જો માણસ પોતાના હૃદયમાં ભગવાનને સ્થાન આપશે, તો અશાંતિના વાવાઝોડામાં પણ અંદર એક દીવો સતત પ્રગટતો રહેશે, શાંતિનો દીવો. આપણે એ પ્રશ્ન છોડવો પડશે કે દુનિયા અશાંત કેમ છે; પ્રશ્ન એ કરો કે હું મારા અંદર શાંતિ કેવી રીતે જાળવી શકું? કારણ કે એક શાંત મન હજાર અશાંત મનોથી વધુ શક્તિશાળી હોય છે. પોતે શાંત તો દુનિયા શાંત થઈ જશે. આજનો યુગ બહારના અવાજોથી ભરેલો છે, પરંતુ શાંતિનો સ્વર અંદરથી જ સંભળાય છે. હૃદયમાં બેઠેલા શાંતિદાતા પ્રભુને સાંભળો તો ખરા!