સારંગપ્રીત
ગત અંકમાં સિદ્ધિ માટે સાધનોની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ સિદ્ધિના ચૌથા કારણ એવા ‘ચેષ્ટા’ એટલે પ્રયત્ન અને ક્રિયા ઉપર ભાર મૂકે છે, તેને સમજીએ.
સફળતા સૌનું સ્વપ્ન છે. સિદ્ધિ દરેકનું ધ્યેય છે. જીવનમાં પ્રત્યેક વ્યક્તિ ઊંચે ચડવા, આગળ વધવા અને પોતાની ઓળખ બનાવવાની ઇચ્છા રાખે છે. પરંતુ સફળતા સહજ રીતે કોઈને પ્રાપ્ત થતી નથી. તેના માટે અથાક પ્રયત્ન અને અવિરત ચેષ્ટા કરવી જ પડે છે. પ્રયત્ન એ સફળતાનો પાયો છે. પ્રયત્ન વિના કોઈ કાર્ય સિદ્ધિ સુધી પહોંચી શકતું નથી.
જેમ જમીન ખેડ્યા વિના ધાન ઊગી શકતું નથી તેમ કાર્ય કર્યા વિના ફળ મળી શકતું નથી. પ્રયત્ન એ જ જીવનમાં ઊર્જાનો પ્રવાહ છે. સતત પ્રયત્નથી જ મનુષ્ય પોતાના અવરોધો દૂર કરી શકે છે. ઘણીવાર પ્રથમ પ્રયત્નમાં સફળતા મળતી નથી, પરંતુ સતત ચેષ્ટા અને હિંમતથી જ અંતે લક્ષ્ય સિદ્ધ થાય છે.
ઈતિહાસ સાક્ષી છે કે જે કોઈ મહાન બન્યા છે તે તેમના અવિરત પ્રયત્નોથી જ બન્યા છે. એડિસને વીજદીવો શોધ્યો ત્યારે હજારો વાર નિષ્ફળ પ્રયાસ કર્યા, પરંતુ તેણે પ્રયત્ન છોડ્યા નહીં. તેનું પરિણામ એ છે કે આજે સમગ્ર વિશ્વ પ્રકાશમય બન્યું છે.
શાસ્ત્રો પણ કહે છે કે માણસનું ભવિષ્ય તેના કર્મ અને ચેષ્ટા પર આધારિત છે. હા, ફળ મેળવવાનું માનવીના હાથમાં નથી, પરંતુ પ્રયત્ન કરવાનું સંપૂર્ણપણે તેના હાથમાં છે.
પ્રયત્નથી માણસનું વ્યક્તિત્વ વિકસે છે, તેની અંદર આત્મવિશ્વાસ અને ધીરજ વધે છે. પ્રયત્ન વિના મનુષ્ય આળસુ બની જાય છે, જ્યારે સતત ચેષ્ટા કરતો મનુષ્ય મજબૂત મનોબળ ધરાવે છે અને કોઈપણ મુશ્કેલીને હરાવી શકે છે.
મહંત સ્વામી મહારાજ કહે છે કે સિદ્ધિ માટે આવશ્યક છે કે આપણે સતત પ્રયત્ન કરીએ, નિષ્ફળતાને શીખવા માટેનો પાઠ માનીએ અને નવી ઊર્જા સાથે આગળ વધીએ. એક બીજાને વારંવાર પાડ્યા પછી પણ જે માણસ ઊભો થઈ આગળ વધે છે, તે જ સાચો વિજેતા બને છે.
સમજણા થયા ત્યારથી આપણે ઘરમાં જોતાં આવ્યા છીએ કે પિતા ક્યાંક નોકરીએ જાય છે કે ધંધો કરે છે. માતા સવારથી જ કામે વળગે છે. નોકરી, ધંધો, ઑફિસ, મજૂરી, મહેનત આ બધું પ્રયત્ન છે, ચેષ્ટા છે.
ખરી વાત તો એ છે કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જે પ્રજા સફળ થઈ છે તેણે સૌથી પહેલાં આળસને તગેડી મૂકી છે ને કાળઝાળ ગરમીમાં પણ મહેનત કરી શરીર તોડી નાખ્યું છે.
હા, આવી ખુમારી સાચા પુરુષાર્થીઓની હોય છે. વિશ્વામિત્ર, પાણિનિ, ભગીરથ કે ધ્રુવ - બધાએ પ્રબળ તપ, પ્રબળ શ્રદ્ધા અને પ્રબળ પુરુષાર્થથી અસાધારણ સફળતા પ્રાપ્ત કરી હતી. પુરુષાર્થ કરવાની દૃઢતાએ માણસને આદિવાસીમાંથી અવકાશયાત્રી બનાવ્યો છે. આદિમાનવમાંથી આધુનિકમાનવ બનાવ્યો છે. એ કોણ નથી જાણતું?
ઉપનિષદમાં કહ્યું છે ને, चरैवेति चरैवेति । ‘સતત પ્રયત્ન કરતા રહો’
જે બેઠા છે તેનું ભાગ્ય પણ બેસી રહે છે. જે ઊભા રહે છે તેનું ભાગ્ય પણ ઊભું થાય છે. જે ચાલવા માંડે છે તેનું ભાગ્ય પણ ચાલવા માંડે છે. જે દોડે છે તેનું ભાગ્ય પણ દોડે છે.
મિત્રો, ચેષ્ટા વગર ધ્યેયસિદ્ધિ અશક્ય છે. ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.’ પુરુષાર્થી માણસો ચટ્ટાન જેવા હોય છે. આંધીઓ એમને ઉડાડી શકતી નથી. ઊધઈઓ એમને કોરી શકતી નથી. પુરુષાર્થથી શું ન થાય? માણસ જે ધારે તે થાય.
શું છે આ પુરુષાર્થ? એ મનને તપાવી-તપાવીને શુદ્ધ કરતી ભઠ્ઠી છે. સફળતાના માર્ગે ચાલતા યાત્રીઓની અંગારયાત્રા છે. પરંતુ એક વાત યાદ રહે કે ઊંડા ઊતરીને મોતી મેળવવા માટે મરજીવા થવું પડે છે. અને ખાલી ખાલી છલકવું હોય તો પાણીના ઘડા થવું પડે છે.
આજે મરજીવાઓ મોતી જેટલા જ મોંઘા બની ગયા છે.
મિત્રો, ઈતિહાસ એક મહાસાગર છે. જે તેના કિનારાનાં છીપલાંમાં જ રમે છે તેને જીવડાં કહે છે. આપણે શોધી કાઢીએ કે મને શેમાં રસ છે, છીપલાંમાં કે મોતીમાં ? અંતમાં કહી શકાય કે સફળતા માટે પ્રયત્ન અને ચેષ્ટા અનિવાર્ય છે. પ્રયત્ન એ જ જીવનનો શણગાર છે. ચેષ્ટા એ જ જીવનનો ઉત્સાહ છે. અને જે મનુષ્ય આ બન્નેને પોતાની જીવનયાત્રામાં ધારણ કરે છે, તેને સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે.