Fri Sep 11 2026

Logo

ગાઝિયાબાદમાં ‘ગૌર ગ્રીન એવન્યુ’ સોસાયટીમાં લાગી ભયાનક આગ, અફરા-તફરીનો માહોલ

2026-04-29 12:12:00
Author: Vimal Prajapati
ગાઝિયાબાદમાં ‘ગૌર ગ્રીન એવન્યુ’ સોસાયટીમાં લાગી ભયાનક આગ, અફરા-તફરીનો માહોલ

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારમાં આવેલી ‘ગૌર ગ્રીન એવન્યુ’ સોસાયટીમાં આજે બુધવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સોસાયટીના ડી-ટાવારમાં 9મા માળ પર એક ફ્લેટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 8 જેટલા ફ્લેટ આગની ચપેટમાં આવી ગયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ આગનો ધુમાડો એટલો પ્રચંડ હતો કે તે આગ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. 

વહેલી સવારે 9મા માળે આગી ભયાનક આગ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગ સવારના સમયે 9મા માળે એક ફ્લેટમાં લાગી હતી. જોતજોતામાં આગ ઉપરની તરફ ફેલાઈ હતી. સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો જીવ બચાવવા માટે તાત્કાલિક પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી

આગની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 3 કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પ્રારંભિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર કારણ સ્પષ્ટ થયું નથી. આગ ઓલવાયા બાદ નુકસાનનું ચોક્કસ આંકલન કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.