ભુજઃ ગાંધીધામ શહેર ભાજપના મંત્રી અને આદિપુરના રહીશ દીપેશ અશ્વિન ત્રિપાઠીએ વ્યાજખોરોના પઠાણી ઉઘરાણી અને વ્યવસાયિક કિન્નાખોરીથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવતાં કચ્છ સહિત બૃહદ કચ્છમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકની પત્ની દીપાબેન ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે ૧૮ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મરણજનાર દીપેશ ત્રિપાઠી બાલાજી વેફર્સની એજન્સી ધરાવતા હતા. માલ પહોંચાડવાનું કામ સંભાળતી 'કટારીયા એન્ટરપ્રાઇઝ'ના માલિકો અને કર્મચારીઓ (રૂપેશ, કલ્પેશ, અંકિતાબેન) પૈસા ચૂકવવા છતાં સમયસર માલ આપતા નહોતા. આ ઉપરાંત, મુંદ્રાના એસ.આઈ. વિપુલ નામના શખ્સે અંગત અદાવત રાખી દીપેશના ગોદામની બાજુમાં જ અન્યને એજન્સી અપાવી દીધી હતી અને તેમના રૂટમાં કાપ મુકાવી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
હોળી-ધુળેટીના તહેવાર અગાઉ પણ માલ ન આપીને એજન્સી બંધ કરાવી દેવાની મૃતકને ધમકી આપવામાં આવી હતી. આર્થિક સંકડામણમાં આવેલા દીપેશે અનેક લોકો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. કરણ આહીર અને પરિવાર પાસે દાગીના ગીરવે રાખ્યા હોવા છતાં અને રકમ પરત ચૂકવ્યા બાદ પણ દાગીના પરત ન કરી ધમકી આપી હતી,જયારે નટુભા સોઢા (ભચાઉ) પાસે તેમના મકાનની ઓરિજિનલ ફાઈલ ગીરવે રાખી હોવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. આજ રીતે ધર્મેન્દ્રસિંહ ભાટી અને ક્રિપાલસિંહ ઉંચા વ્યાજ માટે ગોદામ પર માણસો મોકલી ધાકધમકી આપતા હતા, પ્રકાશ મોદી નામનો શખ્સ લોન કરાવી આપવાના બહાને અડધી રકમ પોતે રાખી લેતો અને હપ્તા દીપેશ પાસે ભરાવી ત્રાસ આપતો હતો.
અન્ય આરોપીઓમાં કલ્પેશ ઠક્કર, દર્શન ઠક્કર, રોશની ભટ્ટ (ભુજ), ભીખુ અને ચંદ્રસિંહ બાપુ (ઝોનવાળા) દ્વારા પણ મુદ્દલ કરતા બમણું વ્યાજ વસૂલ્યા બાદ વધુ નાણાંની માંગણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ચોંકાવનારી બાબત એ છે કે, જે દિવસે દીપેશે આત્મહત્યા કરી તે દિવસે પણ હિતેશ રાજકોટિયા નામનો શખ્સ તેમના ઘરે ઉઘરાણી કરવા પહોંચ્યો હતો. આ ઉપરાંત મુકેશ અને હરેશ મીરાણી (મઢોરા એજન્સી) નામના શખ્સો દીપેશના બેંક ટ્રાન્ઝેક્શન પર નજર રાખતા અને જેવો માલ માટે આર.ટી.જી.એસ. થાય કે તરત જ વ્યાજ લેવા પહોંચી જતા હતા. મૃતક દીપેશ ત્રિપાઠીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી અને ફોનમાં વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં આ તમામ ૧૮ શખ્સોના ત્રાસની વિગતો અને નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્યુસાઇડ નોટમાં તેમણે વહીવટી તંત્રના અધિકારીઓનો ઉલ્લેખ કરી ધંધો ચાલુ રાખવા બાબતે પણ લખાણ કર્યું છે.
પોલીસે હાલ ૧૮ શખ્સો સામે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાજપના યુવા નેતાના આવા અંતિમ પગલાથી રાજકીય આલમમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)