Tue Jun 23 2026

Logo

મોજની ખોજઃ ...અને ભૂંડ બોલ્યું ‘આપણે માત્ર ભૂંડ ને માણસ ભૂંડો’

2026-06-23 10:08:00
Author: Subhash Thaker
Article Image

સુભાષ ઠાકર

‘બોલો શી ફરિયાદ છે તમારી?’ ફરિયાદીના પાંજરામાં ઊભેલા ચંપકને જજે પૂછ્યું.

‘સર, મારી સાળીની બહેન, જે 28 વર્ષથી મારી સાથે રહે છે ને લોકો એને મારી અંગત વાઈફ કહે છે, એ ચંપાએ મને ભૂંડ કીધો, બોલો.’

‘અરે, તો તમે એવાં ભૂંડ જેવાં મોઢાં રાખો છો શું કામ? વાઈફ પણ મૂંઝાય. ભૂંડને પણ પ્રોબ્લેમ થાય ને જનતાને પણ..’

‘અરે મિલોર્ડ, સોસાયટીમાં આવી કોઈ પૂછે કે ‘ચંપકનું ઘર કયું? તો નાનું છોકરું સામે પૂછે ‘પેલા ચંપક ભૂંડનુ?’

ત્યારે મને કેવું ભૂંડુ લાગતું હશે?’
‘તમારી ચંપાએ તમને ભૂંડ ક્યારે કીધેલું?’
‘મિલોર્ડ, એ માટે તમારે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. જ્યારે કોરોનાની સિઝન પૂર જોશમાં ચાલુ હતી ત્યારે...’
‘બા..પ...રે.. ઠેઠ સાડા ત્રણ વર્ષ પહેલા? ને ફરિયાદ ઠેઠ આજે? અત્યાર સુધી ઊંઘી ગયેલા?’

‘ના, પણ ભૂંડ મેં આજે પહેલીવાર જોયું ત્યારે મને ખબર પડી કે ચંપાએ શું કીધેલું? મિલોર્ડ, હું આપને પણ કોઈએન્ગલથી ભૂંડ જેવો લાગુ છું?’

કોર્ટમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું ને જજ ટેબલ પર હથોડો પછાડતા બોલ્યા ‘ઓર્ડર ઓર્ડર.’
‘ઓર્ડરમાં તો સર સવાર છે એટલે એક કપ ચા ને બિસ્કીટ. ને આપને પણ નાસ્તો કરવો હોય તો...’
‘અરે ‘ઓર્ડર ઓર્ડર’ એટલે તમારી ચંપાને કઠેડામાં હાજર કરો.’
ચંપા હાજર થઇ ને જજે પૂછ્યું ‘મીસીસ ચંપા, તમે તમારા પતિ ચંપકને કોરોના કાળમાં ભૂંડ કીધેલો?’

‘હા, ને આજે પણ હું કોઈ ભૂંડને ચંપક કહી શકું એટલી હિમ્મત છે મારામાં.’
‘અરે પણ એનામાં ભૂંડના ક્યાં ગુણ કે અવગુણ દેખાયા?’ જજે પૂછ્યું.
‘આપ જાણીને શું કરશો? આપને ભૂંડ બનવું છે? નઈને? તો પછી.’
જજનું મોઢું વિયાયેલી ગાય જેવું થઇ ગયું.
‘અરે મિલોર્ડ, એ વખતે મેં ચેતવણી આપી કે મોં પર માસ્ક પહેરી રાખ. પણ મારું માન્યું નઈ.’
‘તંબુરો માનું? મને કેવો મુંઝારો થવા લાગ્યો...’ ચંપક બોલ્યો.

‘અરે, પણ એ જીન્સના પેન્ટના માસ્ક પહેરે તો ગુંગળાઈને ગુજરી જાય પછી મારું કોણ? બચેલા જીવનમાં કોઈ સહારો તો જોઈએને? જજજી, આપ મને સહારો આપો ખરા? બોલો.’

મા કસમ જજના હૈયામાં પાંચ સેકંડ ગુદગુદી થઇ ને ત્રીસ સેકંડ ચહેરા પર લાલી છવાઈ ગઈ. ચંપા આગળ બોલી : ‘પછી પોળમાં રખડતા ભૂંડના ઝેરી વાયરસ એના શરીરમાં ઘૂસી ગયા ને કોરોનામાં એ કોરો-ના રહ્યો ને ફસાયો પછી કોરોના-ચેપની બીકમાં આજસુધી કોઈ સગાં કે ભાભો ભાઈયે ડોકાવા નથી આવ્યા.’

‘ઓત્તારીની, એ ચેપની બીકથી પેલા ઉઘરાણીવાળા પણ તાત્કાલિક ધોરણે ઘરે આવતા બંધ થઇ ગયેલા એ યાદ નથી? બોલ હવે બોલ, કેમ હવે જીભડી સિવાઈ ગઈ?’

‘યાદ છે મિલોર્ડ, બધા આવતા બંધ થાય એ પોષાય પણ ઘરનો કામવાળો બંધ થાય એ મને કોઇકાળે ન પોષાય, આ ભૂંડ આઈ મીન ચંપક કરતાં એ મારું વધારે ધ્યાન રાખતો.’

‘બોસ, એની કોઈ વાત પર ભરોસો ન કરતા.’ ચંપક બોલ્યો ‘કોરાનામાં ભૂંડ કીધો પણ હમણાં થોડા દિવસ પહેલાં મને ઓફિસમાં ફોન કર્યો ‘ઓફિસેથી છૂટી સીધા ઘરે ન આવતા, આપણા બિલ્ડિંગમાં કુતરા પકડાવવાની ગાડી આવી છે. હવે મને કેટલી મૂંઝવણ થાય કે મારી જાતને ભૂંડ સમજવો કે કૂતરો?’

‘એય ટોપા, એવું બધું જજને ખબર ન પડે.’ ચંપા બોલી.
‘એમાં એવું છે મિલોર્ડ કે લગ્ન પછી વફાદાર કૂતરાની જેમ જ જીવન જીવતો પણ એક દિવસ એને ખતરનાક બેવફાઈ કરી..’ 

‘શી બેવફાઈ કરી?’ જજે પૂછ્યું.
‘અરે મિલોર્ડ, એ દિવસે કહીને ગયેલો કે ઓફીસનાં કામે જઉં છું ને અઠવાડિયા પછી પાછો આવીશ ને ચોથા જ દિવસે ડમરીમાંથી ભગવાન પ્રગટે એમ પ્રગટ્યો. આવું જૂઠ?, આવી બેવફાઈ?’ ચંપા બોલી.

‘મિલોર્ડ, પણ આવીને શું જોયું? મારી ચંપા મારા કામવાળા સાથે... આપ સમજું છો’ ચંપક બોલ્યો.

‘વ્હાલા મિલોર્ડ, તમે જાણો છો? મેં કામવાળાને શું કામ પકડ્યો? કારણકે આ મારો પતિ ચંપક, ભૂંડ જેમ કીચડમાં ફરે એમ રાજકારણના કીચડમાં ફરતો થયો, મેં સમજાવ્યો કે આ બધા બુકાની-બંદુક વગરના ગુંડા છે. છોડી દે, ભૂંડના શરીરની ગંદકીમાં જેમ ઝેરી વાયરસ ઘૂસી જાય એમ રાજકારણીઓની જમાતના ભ્રષ્ટાચાર, બેઈમાન, લુચ્ચાઈ જેવા વાયરસ ઘૂસી જશે.’

‘એય ભૂંડણી, હવે બોલી તો તારામાં જ વાયરસ ઘુસાડીશ. સમજી?’
‘સ્ટોપ ઇટ, તમે બંને એકબીજાની ઓળખાણ આપવામાં એ કેમ ભૂલી ગયા કે હું પણ અહીં બેઠો છું.’ નિર્દોષ ભાવે જજ બોલ્યાં.

તુર્ત જ કોર્ટમાં ખૂણામાં બેઠેલા ભૂંડે તાત્કાલિક મીટીંગ બોલાવી ને બોલ્યો ‘ભૂંડ મિત્રો, અહી ચંપાએ પોતાના પતિને ભૂંડ કીધા, આપણી જાતિમાં કોઈ ભૂંડણીએ પોતાના પતિને ‘માણસ’ કીધો? ના. વ્હાલીડાઓ, માણસ તો ભૂંડો છે એટલે ભૂંડા કાઢે.
 
આપણે ભૂંડ ખરા પણ ભૂંડાતો નથી ને નથી જ. એનામાં દયા કે જીવદયા જેવું કઈ નથી. એ પોતાનું પેટ ભરવા આપણું પેટ કાઢી લે છે પોતાનું મગજ ચલાવવા આપણું મગજ કાઢી લે છે. હવે સાંભળો આપણા શરીરમાં દંભ કે અહંકાર કે લુચ્ચાઈના વાયરસ ન ઘૂસી જાય એ માટે ‘ભૂંડ મિત્ર મંડળ’ તરફથી દરેકને માસ્ક આપવામાં આવશે. આધાર કાર્ડ તૈયાર રાખવું.’

સભા પૂરી થઇ, તાળીઓ પાડીને પ્રભુને સામૂહિક પ્રાર્થના કરી ‘હે પ્રભુ, બીજા જન્મે ભૂંડ થવાનું મંજુર પણ માણસ થવાનું... શું કહો છો?