Tue Sep 08 2026

Logo

ડાબર સામે કાર્યવાહી, FSSAIએ મધ-તેલ સહિત આ સામાનના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

2026-08-04 08:21:00
Author: Mumbai Samachar Team
ડાબર સામે કાર્યવાહી, FSSAIએ મધ-તેલ સહિત આ સામાનના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશની મોટી એફએમસીજી કંપની ડાબર ઇન્ડિયાને ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. FSSAIએ કંપનીને તેના ઘણા ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ તુરંત રોકવાનો આદેશ આપ્યો છે. નિયમનકારનું કહેવું છે કે કંપની તેના ઉત્પાદનો પર એવા દાવા કરી રહી હતી જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને વર્તમાન નિયમો અનુસાર નથી.

FSSAIની આ કાર્યવાહી મધ, એપલ સાઇડર વિનેગર, વર્જિન કોકોનટ ઓઇલ, તલનું તેલ, દેશી ઘી, નારિયેળ પાણી, કોકોનટ મિલ્ક સહિતના અનેક ઉત્પાદનો પર લાગુ થશે. નિયમનકારે કંપનીને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) પણ જમા કરવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

FSSAIના જણાવ્યા અનુસાર, ડાબર તેની વેબસાઇટ અને કેટલીક પ્રોડક્ટ્સ પર “100% નેચરલ”, “100% પ્યોર”, “100% પ્યોરિટી ગેરંટીડ” અને “100% ઓર્ગેનિક” જેવા દાવા કરી રહી હતી. નિયમનકારનું કહેવું છે કે FSS (એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન, 2018 હેઠળ આવા “100%” ના દાવા અસ્પષ્ટ છે, તેને સંપૂર્ણપણે ચકાસી શકાતા નથી અને તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે.

આ પ્રોડક્ટ્સમાં પણ ગરબડ મળી આવી

તપાસ દરમિયાન FSSAIને એ પણ જાણવા મળ્યું કે ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર અને ડાબર ઓર્ગેનિક મધ પર માન્ય FSSAI ઓર્ગેનિક મંજૂરી વગર ‘જૈવિક ભારત’ લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે ડાબર હોમમેઇડ કોકોનટ મિલ્ક પર “100% Purity” નો દાવો પણ નિયમો વિરુદ્ધ હોવાનું જણાયું હતું.

અગાઉ પણ મળી ચૂકી છે નોટિસ 

FSSAIએ જણાવ્યું કે કંપનીને અગાઉ પણ નોટિસ મોકલીને આ દાવાઓમાં સુધારો કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, નિયમનકારના જણાવ્યા અનુસાર કંપની તરફથી કોઈ સંતોષકારક સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ જ કારણોસર હવે સંબંધિત પ્રોડક્ટ્સનું વેચાણ રોકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

15 દિવસમાં આપવો પડશે રિપોર્ટ 

FSSAIએ ડાબર ઇન્ડિયાને આદેશ આપ્યો છે કે તે 15 દિવસની અંદર જણાવે કે તેણે આ આદેશનું પાલન કરવા માટે શું પગલાં લીધાં છે. આ માટે કંપનીએ એક્શન ટેકન રિપોર્ટ (ATR) જમા કરાવવો પડશે. હાલમાં આ કાર્યવાહી ભ્રામક દાવાઓ અને લેબલિંગ સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘનના આધારે કરવામાં આવી છે.