Tue Aug 18 2026

Logo

કિંજલ રબારીએ ચૌધરી યુવને છોડીને કર્યા શિક્ષક સાથે લગ્ન ? કોણ છે આ યુવક

2026-08-17 09:05:00
Author: Mayur Patel
Article Image

રાધનપુરઃ લોકગાયિકા કિંજલ રબારી ફરી ચર્ચામાં આવી છે. તેણે ફરી લગ્ન કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કિંજલ રબારીએ ગોતરકા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા મુકેશ રબારી સાથે સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ લગ્ન કોઈ મોટા ભપકા વગર, પરિવાર અને નજીકના સગા સંબંધીઓની હાજરીમાં સાદગીથી થયા હતા. જોકે બંનેના પરિવારજનો તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અગાઉ કિંજલ રબારીએ પરિવારની મરજી વિરુદ્ધ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેને લઈ તેઓ ચર્ચા અને વિવાદામાં આવી હતી. પાટણના અશોક ચૌધરી અને કિંજલ રબારીએ વર્ષ 2021ના પ્રેમ સંબંધ બાદ 2 મે, 2024ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. કિંજલનો પરિવાર આ લગ્નથી ખુશ ન હોવાથી વાત છૂટાછેડા સુધી પહોંચી હતી અને કોર્ટમાં કેસ ચાલતો હતો. કિંજલના પરિવાર તરફથી અશોક પર છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી.

15 જૂન, 2026ના રોજ અશોક કોર્ટની મુદ્દત પતાવીને તેના મિત્રો સાથે કારમાં મહેસાણા પાછો ફરી રહ્યો હતો ત્યારે બનાસ નદીના પુલ નજીક બે ગાડીઓએ તેમની કારને ટક્કર મારીને રોકવાનો પ્રયાસ કર્યો. કારમાંથી કિંજલના પરિવારના બે માણસો વિનોદ રબારી અને પ્રકાશ રબારી હાથમાં છરો લઈને નીચે ઉતર્યા અને અશોકને જો ફરી અહીં દેખાયો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી. અશોકના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી ગાડી ભગાડી મૂકતા બધાનો બચાવ થયો હતો. આ મામલે અશોકે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ 11 ઓગસ્ટે અગાઉના લગ્નના છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. 

જાણો કોણ છે કિંજલ રબારી

રાધનપુરના સિનાડ ગામની કિંજલ રબારી આજે લોકસંગીતમાં જાણીતું નામ છે. ધો 1 થી 8 સુધી ગામની શાળામાં અભ્યાસ કરનારી કિંજલને તેના મોટાભાઈ તથા શાળાના શિક્ષકોએ ગાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલમાં માઈક પર ગાવાના અનુભવથી ધીમે ધીમે તે પ્રોગ્રામ કરતી થઈ હતી. આજે તેની ગણના ગુજરાતના જાણીતા કલાકારો પૈકીના એકમાં થાય છે. તેના યુટ્યુબ પર 30થી વધુ આલ્બમો છે. માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ તેણે કાર્યક્રમો આપ્યા છે.