બાગેશ્વર: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ શુક્રવારે અલ્મોડાના યુવાન ઉદ્યોગસાહસિક રવિ ટમ્ટાને 'HAPIDA SKYNeX' પ્રોટોટાઇપ (ઇલેક્ટ્રિક પર્સનલ ફ્લાઇંગ કાર)ના સફળ ફ્લાઇટ ટેસ્ટ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જાગેશ્વર ધામ પાસેના કાફલીખાન ગામના નિવાસી રવિ ટમ્ટાએ વર્ષોના સંશોધન અને વિકાસ (R&D) પછી પોતાની સ્ટાર્ટઅપ કંપની 'હપિડા સ્કાઈ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા આ પ્રોટોટાઇપ વિકસાવ્યો છે.
રવિ ટમ્ટા અગાઉ પણ કરી ચૂક્યા છે અનેક પ્રયોગો
રવિ ટમ્ટા માટે આ પહેલો ટેક્નોલોજી પ્રયોગ નથી. તેઓ અગાઉ પણ અલગ-અલગ આવિષ્કારોને લઈને ચર્ચામાં રહ્યા છે. વર્ષ 2019માં તેમણે ઇલેક્ટ્રોલાઇટ પંપ મશીન (Electrolyte Pump Machine) વિકસાવવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આ ટેક્નોલોજીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોને પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછા સમયમાં ચાર્જ કરવા માટે થઈ શકે છે. તેમણે તે સમયે હલ્દવાનીમાં આ ટેક્નોલોજીનું પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે ઝડપી અને ઓછી કિંમતના ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગની દિશામાં આ પ્રયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. આ ઉપરાંત રવિએ મોબાઇલ ચાર્જિંગ શૂઝ (Mobile Charging Shoes) પર પણ કામ કર્યું હતું. તેમણે શરૂઆતના સ્તરે હેલિકોપ્ટર મોડલ બનાવવાનો પ્રયોગ પણ કર્યો હતો. વન વિભાગના કર્મચારીઓ માટે તેમણે GPSથી સજ્જ ખાસ સ્ટિક વિકસાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ તમામ પ્રયોગો દર્શાવે છે કે તેઓ અલગ-અલગ સમસ્યાઓ માટે ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવામાં રસ ધરાવે છે.
આ સંપૂર્ણ ઈલેક્ટ્રિક પર્સનલ ફ્લાઈંગ વ્હીકલ (ઉડતી કાર) ને પરંપરાગત વ્યક્તિગત પરિવહનના વિકલ્પ તરીકે 'ઝીરો-ટેલ પાઇપ એમિશન' (શૂન્ય પ્રદૂષણ) ધરાવતા વાહન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ ભારતમાં સુરક્ષિત, ટકાઉ અને સસ્તી એર મોબિલિટી (હવાઈ મુસાફરી) દરેક સુધી પહોંચાડવાનો છે.
રવિ ટમ્ટાએ જણાવ્યું કે, પ્રોટોટાઇપની આ સફળ ઉડાન એ પ્રોજેક્ટને કોમર્શિયલ ધોરણે લોન્ચ કરવા તરફનું પહેલું મોટું સીમાચિહ્ન (માઇલસ્ટોન) છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોમર્શિયલ ધોરણે ઉપયોગમાં લેતા પહેલાં આ વાહનને વધુ પરીક્ષણો અને જરૂરી સરકારી/રેગ્યુલેટરી મંજૂરીઓમાંથી પસાર થવું પડશે.
રવિ ટમ્ટાની સિદ્ધિ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે “ઉત્તરાખંડના અલ્મોડાના યુવા ઇનોવેટર રવિ ટમ્ટાને ડ્રોન ટેકનીકમાં ઇનોવેશન કરીને HAPIDA SKYNEX પ્રોટોટાઇપના સફળ ઉડ્ડયન પરીક્ષણ પર ખુબ ખુબ અભિનંદન.
તમારી આ ઉપલબ્ધિ સિદ્ધ કરે છે કે આપણા યુવાનોમાં પ્રતિભા, ઇનોવેશન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની કોઇ કમી નથી. તમારો આ અભિનવ પ્રયાસ ઉત્તરાખંડ જ નહીં પરંતુ આખા દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. વિશ્વાસ છે કે તમે ભવિષ્યમાં પણ તમારા ઇનોવેશનથી વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશો.
તમારા ઉજ્જવળ ભવિષ્ય તેમજ નિરંતર સફળતા માટે હાર્દિક શુભકામનાઓ”