ભુજઃ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આજથી વસતી ગણતરી પ્રક્રિયાના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો હતો. ૧થી ૩૦ જૂન સુધી ચાલનારા આ પ્રથમ તબક્કા દરમિયાન જિલ્લાભરમાં ઘરયાદી અને મકાનોની ગણતરી એટલે કે હાઉસ લિસ્ટિંગ હાથ ધરવામાં આવશે. કચ્છના વહીવટી તંત્ર દ્વારા આ મહાઝુંબેશને પાર પાડવા માટે ૪,૦૦૦ જેટલા ગણતરીદારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ વસતી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં હાથ ધરાઈ રહી છે, જેમાં ગણતરીદારો દ્વારા એકત્રિત કરાયેલો તમામ ડેટા સીધો જ સેન્સસ ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ગણતરીદારો નાગરિકોને આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીના સ્ત્રોત, વીજળી અને શૌચાલયની સુવિધા સહિતના કુલ ૩૩ પ્રશ્નો પૂછીને વિગતો નોંધશે.
નોંધનીય છે કે, મુખ્ય ગણતરી પહેલાં ગત ૧૭ મેથી ૩૧ મે દરમિયાન નાગરિકો પોતે ઓનલાઈન વિગતો ભરી શકે તે માટે 'સ્વગણતરી ઝુંબેશ' શરૂ કરવામાં આવી હતી. જોકે, કચ્છમાં પૂરતા પ્રચાર-પ્રસારના અભાવ અને અંતરિયાળ વિસ્તારોમાં નબળી નેટ કનેક્ટિવિટીના કારણે આ ડિજિટલ પહેલને મોળો પ્રતિસાદ મળ્યો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં માત્ર ૯,૦૦૦ લોકોએ જ ઓનલાઈન સ્વગણતરી કરી છે. હવે ૧ જૂનથી શરૂ થઈ રહેલા ઘર-મકાન ગણતરીના તબક્કામાં ગણતરીદારો આ સેલ્ફ-એન્યુમરેશન કરનારા લોકોની વિગતોની પણ સ્થળ પર ચકાસણી કરશે.
મકાનો અને મિલકતોની આ યાદી તૈયાર થયા બાદ, વસતી ગણતરીનો બીજો અને મુખ્ય તબક્કો આગામી વર્ષે એટલે કે તા. ૯થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન યોજાશે. આ બીજા તબક્કામાં દેશભરમાં વાસ્તવિક વસતી ગણતરીની સાથે-સાથે જાતિ આધારિત ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
(ઉત્સવ વૈદ્ય)