Sun Sep 13 2026

Logo

ઉત્તરાખંડના ટિહરીમાં ભીષણ દાવાનળ: 14 હેક્ટર જંગલ ખાખ, રહેણાંક વિસ્તારો બચાવાયાં

2026-05-24 21:08:00
Author: Mumbai Samachar Team
ઉત્તરાખંડના ટિહરીમાં ભીષણ દાવાનળ: 14 હેક્ટર જંગલ ખાખ, રહેણાંક વિસ્તારો બચાવાયાં

X


દહેરાદૂનઃ ઉત્તરાખંડના ટિહરીમાં બુદોગી ગામ નજીક દાવાનળ ફાટી નીકળ્યો હતો. સાંજના સમયે લાગેલી આ આગમાં ૧૪ હેક્ટર વિસ્તાર બળીને ખાખ થયો હતો. જેના પગલે વન વિભાગની ટીમો તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ જાણકારી ટિહરીના ડિવિઝિનલ ફોરેસ્ટ ઓફિસર(ડીએફઓ) પુનીત તોમરે આપી હતી.

તોમરના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડની ટીમો તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ સાંજના સમયે લાગી હતી. હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગ ઓલવાઇ રહી છે અને નીચે તરફ જઇ રહી છે. જ્યાં કોઇ વસ્તી નથી. આ આગમાં જંગલનો લગભગ ૧૪ હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે, પરંતુ દાવાનળને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ વધ્યો હતો.

ઉત્તરાખંડના જ્ઞાનસુ-સાલ્દ રોડ પર બાસુગાંવ નજીક ફાટી નીકળેલા દાવાનળને એસડીઆરએફ, વન વિભાગ, એનડીઆરએફ અને ફાયર સર્વિસ ટીમોના સંયુક્ત પ્રયાસોથી કાબૂમાં લેવામાં આવ્યા હતા. 

આ ઘટના બુધવારે મોડી રાત્રે એસડીઆરએફ ઉત્તરાખંડને બાસુગાંવ નજીક જંગલમાં આગ લાગી હોવાની માહિતી મળતાં પ્રકાશમાં આવી હતી. આ ભીષણ આગ નજીકના રહેણાંક વિસ્તારોમાં ફેલાવાની પણ આશંકા હતી.

એસડીઆરએફની ટીમે વન વિભાગ, ફાયર સર્વિસ અને એનડીઆરએફના જવાનો સાથે મળીને આગ બુઝાવવા માટે સઘન અભિયાન હાથ ધર્યું હતું. બધી ટીમોના સંકલન અને અથાક પ્રયાસોથી દાવાનળ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને તેને રહેણાંક વિસ્તારો સુધી ફેલાતો અટકાવવામાં આવ્યો હતો. એસડીઆરએફના અધિકારીઓના જણાવ્યા મુજબ સમયસર કાર્યવાહીને લીધે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.