Tue Oct 06 2026

Logo

કચ્છમાં આકાશમાંથી વરસી રહી છે અગનજ્વાળા: અંજાર-ગાંધીધામ ૪૫.૪ ડિગ્રી સાથે ધખધખ્યું

2026-05-12 11:40:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં આકાશમાંથી વરસી રહી છે અગનજ્વાળા: અંજાર-ગાંધીધામ ૪૫.૪ ડિગ્રી સાથે ધખધખ્યું

ભુજ: સૂકા રણપ્રદેશ કચ્છમાં આ વખતના ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ અંજાર અને ગાંધીધામ સંકુલમાં મહત્તમ તાપમાનનો પારો ૪૫.૪ ડિગ્રીને પાર પહોંચી જતાં ચાલુ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. કંડલા એરપોર્ટ સુરેન્દ્રનગર બાદ સમગ્ર રાજ્યનું બીજું સૌથી ગરમ મથક બનતા જનજીવન આકરા તાપમાં શેકાયું હતું. બળબળતી લૂ સાથે ૪૨ ડિગ્રી સે. તાપમાન સાથે ભુજ શહેર જાણે અગનભઠ્ઠામાં પરિવર્તિત થયું છે.

હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી બે દિવસ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ભુજમાં પારો એક ડિગ્રી નીચે ઉતરીને ૪૨ ડિગ્રીએ રહ્યો હોવા છતાં, ઊની વાયરાઓ અને તીવ્ર લૂના કારણે લોકોની અગન પરીક્ષા થઈ હતી. આગામી દિવસોમાં ભુજમાં પણ પારો ૪૪ થી ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વર્તાઈ રહી છે.

બપોરના સમયે ભીષણ ગરમી અને લૂના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના પરિણામે રસ્તાઓ પર સન્નાટો છવાયો હતો. જીવલેણ ગરમીના કારણે જનસ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે. શરીર ઝકડાઈ જવું અને પેટમાં દુખાવા જેવી ફરિયાદો સાથે દર્દીઓની સંખ્યામાં હોસ્પિટલોમાં વધારો થયો છે. પવનની ગતિ મંદ પડતા અને લઘુતમ તાપમાન ઊંચું રહેતા રાત્રિના સમયે પણ લોકો ઉકળાટથી અકળાઈ ઉઠ્યા હતા.

લોકવાયકા મુજબ, ઉનાળામાં જેટલો વધુ તાપ પડે એટલો જ વરસાદ સારો થતો હોય છે. આ માન્યતાના આધારે કાળઝાળ ગરમીમાં શેકાતા કચ્છીમાડુઓ હવે આગામી ચોમાસું મન મૂકીને વરસે તેવી આશા રાખી રહ્યા છે. જો કે, હાલ પૂરતી તો સૂર્યનારાયણના પ્રકોપ સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)