Wed Sep 09 2026

Logo

પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર વાયુસેનાનું શક્તિ પ્રદર્શન: ફાઈટર જેટ્સના લેન્ડિંગ-ટેકઓફથી એરસ્ટ્રિપ ગુંજી ઉઠી

2026-04-22 15:29:00
Author: Mayur Patel
પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર વાયુસેનાનું શક્તિ પ્રદર્શન: ફાઈટર જેટ્સના લેન્ડિંગ-ટેકઓફથી એરસ્ટ્રિપ ગુંજી ઉઠી

લખનઊઃ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેની એરસ્ટ્રિપ આજે યુદ્ધ મેદાનમાં ફેલાઈ ગઈ હોય તેમ લાગે છે. ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઈટર જેટ્સ અને માલવાહક વિમાનો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ઈમરજન્સી સ્થિતિ માટે તૈયાર કરવામાં આવેલી એરસ્ટ્રિપ પર લડાકુ વિમાનોના લેન્ડિંગ અને ટેકઓફનો નજારો જોવા મળી રહ્યો છે. રાત્રે 9 વાગ્યા સુધી આ કવાયત ચાલુ રહેશે. 

પૂર્વાંચલ એક્સપ્રેસ વેના અખલીકિરી કરવત ગામ નજીક 3.2 કિલોમીટર લાંબા એરસ્ટ્રિપ પર યુદ્ધાભ્યાસ શરૂ થયો છે. આ એર શોમાં સુખોઈ 30 MKI, જગુઆર, મિરાજ-2000 તથા તેજસ જેવા ફાઈટર જેટ્સની સાથે સી-295 અને એએન-32 જેવા વિમાનો ભાગ લઈ રહ્યા છે.

વાયુસેના ઈમરજન્સીની સ્થિતમાં હાઈવેને રન વેના રૂપમાં ઉપયોગ કરવાની ક્ષમતાને ચકાસી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રએ એક્સપ્રેસ વેનો 12 કિલોમીટર હિસ્સો સીલ કર્યો છે અને ટ્રાફિકને 1 મે સુધી ડાયવર્ટ કર્યો છે. આ યુદ્ધાભ્યાસ બે તબક્કામાં રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે. 

એક્સપ્રેસ વેની એરસ્ટ્રિપ પર યુદ્ધાભ્યાસનું શિડ્યૂલની વાત કરીએ તો બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી વિમાનોના કરતબ જોવા મળશે, જે બાદ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી યુદ્ધાભ્યાસ શરૂ રહેશે. સુખોઈ-30 અને મિરાજ જેવા વિમાન ટચ એન્ડ ગો ડ્રિલ દ્વારા તેમની યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે. એમઆઈ-17 વી5 હેલીકૉપ્ટર દ્વારા સ્પેશિયલ ફોર્સિસને સ્લિધરિંગ ટેકનિકથી ઉતારવાનો અભ્યાસ કરી રહ્યા છે.  

આ હાઈવે એરસ્ટ્રિપ યુદ્ધના સમયે સેના માટે બેકઅપ રનવેનું કામ કરે છે. જો દુશ્મન દેશ મુખ્ય એરબેઝને નિશાન બનાવે તો વાયુસેના આ હાઈવે સ્ટ્રિપ્સથી જ ઉડાનો ચાલુ રાખી શકે છે. ઉલ્લેખનીય છે આ એરસ્ટ્રિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16 નવેમ્બર, 2021ના રોજ કર્યું હતું.