Thu Jun 11 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં ભાઇઓની સાત જોડી, ચાર ભાઇની બે જોડી અલગ દેશ વતી રમશે

New Jersey   2026-06-11 18:17:53
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ જર્સીઃ મોટા ભાગની રમતોના વર્લ્ડ કપ રમાતા હોય છે જેમાં ફૂટબૉલનો ફિફા વર્લ્ડ કપ સૌથી મોટો ગણાય છે, કારણકે એની મૅચો વિશ્વના લગભગ તમામ દેશોમાં ટીવી પર જોવામાં આવે છે અને દર વખતની જેમ આ વખતે પણ એમાં કંઈક નવું, કંઈક રસપ્રદ અચૂક જોવા મળશે. આ વખતના વિશ્વ કપમાં ભાઈઓની સાત જોડી એવી છે જેઓ એક યા અલગ દેશ વતી રમશે. એમાં પણ ખાસ કરીને ચાર ભાઈઓ (Brothers) એવા છે જેમાંના બે એક દેશ વતી અને બીજા બે અન્ય દેશ વતી રમતા જોવા મળશે.

કુલ 48 દેશ ફિફા (Fifa) વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે. એ રીતે આ સૌથી મોટો સૉકર વર્લ્ડ કપ છે. આ વખતે ભાઈઓની સાત જોડી એવી છે જેમાંથી ત્રણ જોડી એકસરખા દેશ વતી રમશે. એ રીતે, આ વિશ્વ કપ સ્પેશ્યલ બની રહેશે.

થીઓ હર્નાન્ડેઝ અને લુકૅસ હર્નાન્ડેઝ ફ્રાન્સ વતી રમશે, જ્યારે તેમના બે ભાઈઓ યુનિન્હો બાકુના અને લીઍન્ડ્રો બાકુના ક્યૂરસૉ નામના ટચૂકડા દેશનું પ્રતિનિધિત્વ કરશે. 21 વર્ષના ડેઝીરે ડૂએની ગણના વિશ્વના શ્રેષ્ઠ મિડફીલ્ડર્સમાં થાય છે અને તે ફ્રાન્સ વતી રમવાનો છે, જ્યારે તેનો મોટો ભાઈ ગ્વેલા ડૂએ આ ટૂર્નામેન્ટમાં આઇવરી કોસ્ટ વતી રમતો જોવા મળશે. તેમના પપ્પા આઇવરી કોસ્ટના છે અને મમ્મી ફ્રેન્ચ છે. એ રીતે, બન્ને ભાઈને બેઉ દેશનું નાગરિકત્વ મળ્યું છે.

નેધરલૅન્ડ્સના બે ભાઈ જુરિયન ટિમ્બેર અને ક્વિન્ટેન ટિમ્બેર નેધરલૅન્ડ્સ વતી સાથે રમવાના હતા, પણ જુરિયેન ઈજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે એટલે ક્વિન્ટેનને તેના ભાઈની ખોટ વર્તાશે.

બ્રાયન બૉબી નેધરલૅન્ડ્સ વતી અને તેનો ભાઈ ડેરિક લૂકાસેન ઘાનાનું પ્રતિનિધિત્વ કરશે બન્ને ભાઈ મૂળ ઘાનાના છે, પણ તેમની રાષ્ટ્રીય ટીમ ભિન્ન છે.

જૉન સૉટેર સ્કૉટલૅન્ડ વતી અને તેનો ભાઈ હૅરી સૉટેર ઑસ્ટ્રેલિયા વતી રમશે. નિકૉ વિલિયમ્સ સ્પેનનો ખેલાડી છે, જ્યારે તેનો ભાઈ ઇનૅકી વિલિયમ્સ ઘાનાનો છે.

શું તમે આ `સોનાલ્ડો' વિશે જાણો છો?ઃ વર્લ્ડ કપની ટિકિટોના ભાવ જાણવા છે?

* વર્ષોથી ફૂટબૉલની વાત થાય ત્યારે રોનાલ્ડોનું નામ અચૂક સંભળાય અને જેમને આ રમતમાં રુચિ હશે કે નહીં હોય, તેઓ પોર્ટુગલના આ સુપરસ્ટારના નામથી પરિચિત હશે જ, પરંતુ `સોનાલ્ડો' (Sonaldo) નામ પણ ફૂટબૉલ જગતમાં ચર્ચામાં છે એની કેટલાકને જાણ નહીં હોય. બ્રાઝિલના ભૂતપૂર્વ ફૂટબૉલ-કિંગ રોનાલ્ડો લુઇસ નૅઝારિયોથી પણ ફૂટબૉલપ્રેમીઓ પરિચિત હશે, પરંતુ સાઉથ કોરિયાના `સોનાલ્ડો' તરીકે ઓળખાતા કૅપ્ટન સૉન હ્યુન્ગ-મિનથી ઘણા અજાણ હશે. `સોનાલ્ડો'નો આ ચોથો વર્લ્ડ કપ છે. તે અમેરિકાની મેજર લીગ સૉકર (એમએલએસ)માં રમી ચૂક્યો છે અને ખાસ કરીને અમેરિકાના પાડોશી દેશ તે `સોનાલ્ડો' તરીકે ફેમસ છે. મેક્સિકોના ફૂટબૉલલવર્સને સાઉથ કોરિયાનો `સોનાલ્ડો' બેહદ પ્રિય છે અને તે શુક્રવાર, 12મી જૂને (ભારતીય સમય મુજબ સવારે 7.30 વાગ્યાથી) ચેકિયા (જૂનું નામ ચેક રિપબ્લિક) સામેની મૅચમાં રમશે. આ ગ્રૂપમાં મેક્સિકો અને સાઉથ આફ્રિકા પણ છે. સૉન હ્યુન્ગ-મિનને રોનાલ્ડોની અપ્રતિમ પ્રતિભા જોતાં `સોનાલ્ડો' હુલામણું નામ પસંદ નથી.

* વર્લ્ડ કપની લીગ મૅચોનો એક ટિકિટનો ઓછામાં ઓછો ભાવ 140 ડૉલર (અંદાજે 13,402 રૂપિયા) છે. સત્તાધીશો કહે છે કે ટિકિટનો સરેરાશ ભાવ 500 ડૉલર (47,863 રૂપિયા) છે. ફાઇનલ માટેની ટિકિટના ભાવ વિશે વિવાદ થયો હતો. ફિફાએ 19મી જુલાઈએ ન્યૂ જર્સીમાં રમાનારી ફાઇનલ માટે શરૂઆતમાં એક રેગ્યુલર સીટનો ભાવ 8,680 ડૉલર (8,30,796 રૂપિયા) રાખ્યો હતો. પછીથી ફિફાએ એક સીટ દીઠ ભાવ વધારીને 10,990 ડૉલર (10,51,883 રૂપિયા) કર્યો હતો અને ત્યાર બાદ 32,970 ડૉલર (31,55,760 રૂપિયા) કરીને સનસનાટી મચાવી દીધી હતી. જોકે વિવાદ ચરમસીમાએ પહોંચતાં ફિફાએ 48માંથી દરેક દેશના ફૂટબૉલ ફેડરેશનને તેમના સપોર્ટર્સ માટે 60 ડૉલર (5,743 રૂપિયા)વાળી કેટલીક કૉમ્પ્લીમેન્ટરી ટિકિટો ઑફર કરી.

* વર્લ્ડ કપની મૅચો અમેરિકામાં 11 શહેરમાં રમાવાની છે અને સત્તાધીશોને સૌથી મોટી ચિંતા એ છે કે છ અઠવાડિયા સુધી સ્ટેડિયમો ફુલ-પૅક્ડ રહેશે અને વિવિધ શહેરોમાં દેશી-વિદેશી પર્યટકો પણ ઊભટી પડશે એટલે આ દોઢ મહિનામાં કોઈ રોગચાળો ન ફેલાય તો સારું. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને ટેન્શન એ છે કે હીટવેવ પણ લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે. અધિકારીઓ નિયમિતપણે નકામા પાણીનો બરાબર નિકાલ થાય છે કે એની તકેદારી રાખશે, હૉસ્પિટલોની નિયમિત મુલાકાત લેવામાં આવશે તેમ જ ખાસ કરીને ઉત્તર અમેરિકામાં કોઈ રોગચાળો તો ફાટી નહીં નીકળેને એનો સંકેત મેળવવા સોશ્યલ મીડિયા પર પણ સંભવિત સંકેતો પર સતત નજર રાખશે.

* યુગોસ્લાવિયામાંથી અલગ પડ્યા બાદ ક્રોએશિયાની ટીમ 1998માં પ્રથમ વાર વર્લ્ડ કપમાં રમી હતી અને એ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી હતી. 1998માં તથા 2022માં ક્રોએશિયા ત્રીજા નંબર પર રહ્યું હતું. 2018માં ક્રોએશિયા ફાઇનલમાં ફ્રાન્સ સામે હારી ગયું હતું.

* ક્રોએશિયાનો મૉડ્રિચ 2018માં બલૉ ડી ઑર પુરસ્કાર જીત્યો હતો. 2008થી 2021 દરમ્યાન મેસી અને રોનાલ્ડો આ અવૉર્ડ ન જીતી શક્યા હોય એવું એકમાત્ર વર્ષ 2018 હતું અને એમાં મૉડ્રિચ મેદાન મારી ગયો હતો.