Tue Aug 25 2026

Logo

FCRA બિલ મુદ્દે 12 ઓગસ્ટે સંસદમાં ચર્ચાઃ કાયદો પાછલી તારીખથી અમલી નહીં થાય, કોણે કર્યો દાવો?

2026-08-07 14:37:00
Author: Mumbai Samachar Team
FCRA બિલ મુદ્દે 12 ઓગસ્ટે સંસદમાં ચર્ચાઃ કાયદો પાછલી તારીખથી અમલી નહીં થાય, કોણે કર્યો દાવો?

નવી દિલ્હી: પાટનગરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથેની અગત્યની મુલાકાત બાદ ગુરુવારે મિઝોરમના મુખ્યપ્રધાન લાલદુહોમાએ વિવાદાસ્પદ એફસીઆરએ (FCRA) સંશોધન બિલ અંગે મહત્વની માહિતી આપી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ મિઝોરમના મુખ્ય પ્રધાન લાલદુહોમાએ કહ્યું હતું કે વિવાદાસ્પદ એફસીઆરએ સંશોધન બિલ પર સંસદમાં 12 ઓગસ્ટના બુધવારે ચર્ચા અને તેને પાસ કરવાની પ્રક્રિયા કરાશે, પરંતુ આ બિલ પાછળની તારીખથી લાગુ થશે નહીં.

વિદેશી ભંડોળ પ્રાપ્ત કરનારી સંસ્થાઓની દેખરેખ કડક બનાવવાનો
લાલદુહોમા અને મિઝોરમના ચર્ચ નેતાઓના એક પ્રતિનિધિમંડળે વિદેશી યોગદાન (વિનિયમન) સંશોધન બિલ, 2026 અંગે શાહ સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ બિલનો હેતુ વિદેશી ભંડોળ પ્રાપ્ત કરનારી સંસ્થાઓની દેખરેખને કડક બનાવવાનો છે. જેમાં એક શક્તિશાળી નવી ઓથોરિટી બનાવવાનો પ્રસ્તાવ છે જે એ બિન-લાભકારી સંસ્થાઓની સંપત્તિ જપ્ત કરી શકશે અને તેનું સંચાલન કરી શકશે જેનું લાઈસન્સ રદ થઈ ગયું છે.

પ્રસ્તાવિત કાયદા પર 12 ઓગસ્ટના રોજ ગૃહમાં ચર્ચા કરવામાં આવશે
તેમણે સંસદ પરિસરમાં પત્રકારોને કહ્યું હતું કે અમે નવા એફસીઆરએ બિલને લઈને પોતાની આશંકાઓ ગૃહમંત્રીને જણાવી છે. તેમણે અમને ખાતરી આપી હતી કે આ બિલ છેલ્લી તારીખથી અમલમાં આવશે નહીં.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ગૃહપ્રધાને સંસદમાં એફસીઆરએ સંશોધન બિલ પર ચર્ચા અને તેને પસાર કરવા માટે કોઈ તારીખ જણાવી છે તો તેના જવાબમાં લાલદુહમાએ જણાવ્યું હતું કે શાહે તેમને કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદા પર 12 ઓગસ્ટના રોજ ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. આ બિલ 25 માર્ચના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ બિલમાં વિદેશી યોગદાન અને સંપત્તિઓને એક 'નિર્ધારિત ઓથોરિટી'ને સોંપવા, તેમની દેખરેખ રાખવા, સંચાલન અને નિકાલ માટે એક વ્યાપક માળખું તૈયાર કરવાની જોગવાઈ છે, જેમાં કામચલાઉ અને સ્થાયી રીતે સોંપવાનું સામેલ છે.

આ અધિનિયમ હેઠળ બનેલા કોઈ પણ નિયમ હેઠળ સમાપ્ત કરાશે
પ્રસ્તાવિત કાયદા અનુસાર, કોઈ પણ વ્યક્તિ વિદેશી યોગદાન અને તેનાથી બનાવેલી સંપત્તિ-જેનું સર્ટિફિકેટ કલમ 14 હેઠળ રદ કરી દેવામાં આવે છે અથવા જેની કલમ 14એ હેઠળ સર્ટિફિકેટ સરેન્ડર કરી દેવામાં આવ્યું છે અથવા જેનું સર્ટિફિકેટ કલમ 14બી અથવા આ અધિનિયમ હેઠળ બનેલા કોઈ પણ નિયમ હેઠળ સમાપ્ત કરી દેવામાં આવે છે એવા રદ થવા, સરેન્ડર કરવા અથવા સમાપ્ત થયાની તારીખથી અસ્થાયી રીતે નિર્ધારિત ઓથોરિટી પાસે જતું રહેશે. 

બિલમાં પ્રસ્તાવ છે કે જો કોઈ વ્યક્તિ કાયદામાં ઉલ્લેખિત સમયગાળાની અંદર નવું પ્રમાણપત્ર મેળવવામાં નિષ્ફળ જાય છે અથવા તેમનું પ્રમાણપત્ર રિન્યૂ અથવા ફરીથી સ્થાપિત કરવામાં નિષ્ફળ જાય છે, તો વિદેશી યોગદાન અને વિદેશી યોગદાનમાંથી બનાવેલી સંપત્તિ કાયમી ધોરણે નિયુક્ત સત્તાધિકારી પાસે રહેશે.