શાંઘાઈઃ ફોર્મ્યુલા વન અને તેનું સંચાલન કરતી સંસ્થા એફઆઈએએ જાહેરાત કરી છે કે ઈરાન યુદ્ધ સંબંધિત સુરક્ષા ચિંતાઓને કારણે બહેરિન અને સાઉદી અરેબિયામાં એપ્રિલમાં યોજાનારી ગ્રાન્ડ પ્રિકસ રેસ યોજાશે નહીં. અમેરિકા અને ઇઝરાયલે હુમલા શરૂ કર્યા બાદ ઈરાને વળતો જવાબ આપ્યો છે. ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિકસ પહેલા આજે સવારે શાંઘાઈમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
એફવનએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે બહેરીન અને સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિકસ એપ્રિલમાં નહીં યોજાય. ઘણા વિકલ્પો પર વિચારણા કરવામાં આવી હોવા છતાં આખરે નક્કી કરવામાં આવ્યું હતું કે એપ્રિલમાં યોજાનારી રેસના સ્થળોમાં કોઈ ફેરફાર થશે નહીં. એફવન રેસ 12 એપ્રિલે બહેરિનમાં અને 19 એપ્રિલે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવાની હતી.
એફવનના અધ્યક્ષ અને સીઈઓ સ્ટેફાનો ડોમેનિકાલીએ જણાવ્યું હતું કે જ્યારે આ એક મુશ્કેલ નિર્ણય હતો, મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિને જોતાં આ સમયે તે યોગ્ય છે. એફઆઈએએ જણાવ્યું હતું કે આ બે રેસ એપ્રિલમાં નહીં યોજાય અને તેના બદલે કોઈ બીજી રેસ પણ યોજાશે નહીં.
એફઆઈએના અધ્યક્ષ મોહમ્મદ બેન સુલેયમે જણાવ્યું હતું કે એફઆઈએ હંમેશાં અમારા સમુદાય અને સાથીદારોની સલામતી અને સુખાકારીને પ્રથમ રાખશે. કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી અમે આ જવાબદારીને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.