દેશમાં પીક પાવર ડિમાન્ડ ઐતિહાસિક સપાટીએ પહોંચીઃ એસી, ઇલેક્ટ્રિક વાહનો વપરાશ વધ્યો
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ઉનાળો જાણો ટોપ ગિયરમાં હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે બફારો અને દિવસે સૂર્યોદય થતાં જ તાપમાનનો પારો વધુ એક રેકોર્ડ બનાવવા માટે દોડે છે. કાળઝાળ ગરમીને કારણે ઘરમાંથી બાહર નીકળવાનું મન ન થવું સ્વાભાવિક છે. બપોરના સમયે રસ્તાઓ પર જાણે કુદરતી કર્ફ્યૂ હોય એવું ચિત્ર દેખાય છે. મે અને જૂન મહિનામાં નથી પડી એવી ગરમી આ વર્ષે એપ્રિલ મહિનામાં પડી રહી છે. ઘર હોય કે ઓફિસ AC કે પંખા વગર ગણતરીની મિનિટ કાઢવી દરિયાના તળીયે કલાકો સુધી શ્વાસ રોકીને બેસવા જેવું અશક્ય છે.
દરેક મહાનગર તપી રહ્યા છે
ગરમીની આગમાં શેકાતા રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત બિહાર-મહારાષ્ટ્રમાં ગરમીનો પારો નિરંતર ઉચકાતો જાય છે. દિલ્હી, પટણા, લખનઉ, જયપુર, આગ્રા, કાનપુર કે ઉદયપુર દેશના દરેક મહાનગર તાપથી તપી રહ્યા છે. દેશમાં આ વર્ષની ગરમીએ મે અને જૂન મહિના પહેલા જ ભયભીત કરવાનું શરૂ કરી દીધું છે. એપ્રિલ મહિનો પૂરો થયો નથી ત્યાં વીજળીની માગે અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. વીજ મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ અઠવાડિયાના અંતમાં જ પીક પાવર ડિમાન્ડ 252.07 ગીગાવોટની ઐતિહાસિક સપાટી સુધી પહોંચી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ પહેલાનો રેકોર્ડ 250 ગીગાવોટનો રહ્યો હતો. મે 2024માં આ રેકોર્ડ નોંધાયો હતો. આનો અર્થ એ થયો કે, જે વપરાશ મે અને જૂન મહિનામાં થતો હતો, આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ એટલો વપરાશ થયો છે.
બે દિવસમાં વીજમાગ વધી
22 અપ્રિલના દિવસે જે માગ 239.70 ગીગાવોટની હતી એ માત્ર બે દિવસમાં 252 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. વીજળીનો આટલો બધો વપરાશ ટૂંકા ગાળામાં થવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે. જેમાં જુદી-જુદી વસ્તુઓનો વપરાશ પણ જવાબદાર છે. ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં આ વર્ષે ગરમીએ રીતસરના લોકોને અકળાવી દીધા છે. બીજી તરફ દિલ્હી જેવા મહાનગરમાં સતત ગરમીથી વીજ માગ વધી રહી છે. હવમાન વિભાગે એવી આગાહી કરી છે કે, હજુ ત્રણ દિવસ સુધી તાપમાન ઘટવાના કોઈ રીતે એંધાણ નથી. ખાસ કરીને બપોરના સમયે ગરમી વધારે પડશે.
ત્રણ મુખ્ય કારણો
પહેલું કારણ એ છે કે, સૂર્યોદય બાદ સતત લૂ યથાવત્ રહેતા વાતાવરણ ગરમ રહે છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન 41-44 ડિગ્રી વચ્ચે રહે છે. આના કારણે ઘર અને ઓફિસમાં સતત એસી ચાલું રાખવા પડે છે. કુલરનો ઉપયોગ વધે છે.24 કલાક આવા ઉપકરણનો ઉપયોગ થવાને કારણે વીજ વપરાશ દૈનિક દિવસ કરતા વધી જાય છે. ભારતના હવામાન ખાતાએ એવી ચેતવણી આપી છે કે, હજુ જુન મહિના સુધી ગરમી રહેશે.
ડેટા સેન્ટરની વીજળીની જરૂરિયાત
બીજુ કારણ એ છે કે, ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી જતી સંખ્યા અને ડેટા સેન્ટરની સતત ઊર્જાની વધી રહેલી માગને કારણે પુરવઠો વધારે વપરાય છે. વપરાશની નવી પેટર્ન આ ડેટા સેન્ટરે તૈયાર કરી છે. ન્યૂ એજ કંઝ્પ્શન અંતર્ગત આગામી સમયમાં વીજળીની માગ નોંધપાત્ર રીતે વધારશે. અનુમાન એવું પણ છે કે, વીજળીની ત્રણ ગણી માગ વધી જશે. મહાનગરોમાં ચાર્જિંગ સ્ટેશન પણ ઈલેક્ટ્રિકથી ચાલે છે. મોટી સંખ્યામાં મોટા વાહનો આવા ચાર્જિંગ પરથી ચાર્જ થતા હોય છે. આવા સમયે વીજળીની માગ વધે છે. ઉનાળા સિવાયના દિવસો કરતા ઉનાળામાં આ કંઝપ્શન વધી જાય છે.
ઈરાન-અમેરિકા યુદ્ધની અસર
ત્રીજું કારણ એવું છે કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને એક અસર LPG ગેસ પર થઈ રહી છે. LPG ગેસની સપ્લાય પર એક અસર પહોંચી છે. બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સીના ડાયરેક્ટર કૃષ્ણચંદ્ર પાણિગ્રહીએ જણાવ્યું હતું કે ગેસના સંકટને કારણે ભારતીય ગ્રાહકો હવે ઝડપથી ઈંડક્શન કુકિંગ બાજુ સ્વિચ થઈ રહ્યા છે. વીજળીથી ચાલતા હીટરનો વપરાશ વધી રહ્યો છે. આ બદલાવને કારણે વીજ વપરાશનો બોજ 13-27 ગીગાવોટ સુધી વધી જાય છે. જેમ જેમ તાપ વધશે એમ વીજળીની માગમાં નોંધપાત્ર વધારો થશે. એક અનુમાન અનુસાર વીજ માગ 270 ગીગાવોટ સુધી જઈ શકે છે.
વીજળ ક્ષમતા વધશે પણ ઘટ પૂરાશે નહીં
સરકાર આ સંકટનું સમાધાન શોધવા માટે પ્રયાસ કરી રહી છે. વીજ મંત્રાલયના સચીવ પીયુષસિંહે આ પહેલા પણ એવા સંકેત આપ્યા હતા કે, એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે ભારત વીજ ક્ષમતામાં 22 ગીગાવોટ વધારાની વીજળી જોડી દેશે. સોલાર સિસ્ટમથી પણ વીજ ઉત્પાદન થાય છે ઘણી જગ્યાએથી સરકાર સોલાર એનર્જી ખરીદી પણ શકે છે. પણ સતત વધતી જતી માગ વચ્ચે આટલી સંખ્યમાં થતી ખરીદારીની રકમ ઘણી નાની જોવા મળી રહી છે. આ કારણે વીજ ઘટ પુરાશે નહીં.