ભરત ભારદ્વાજ
અંતે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર કરવા સહમત થઈ ગયાં છે. અત્યાર લગી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની શરતો નક્કી થઈ ગઈ હોવાની વાતો બહુ બધી વાર મીડિયામાં આવી પણ અમેરિકા અને ઈરાન બંને એક સાથે ફોડ પાડીને વાત નહોતાં કરતાં. ડોનલ્ડ ટ્રમ્પ શાંતિ કરારની શરતો નક્કી થયાની વાત કરતા તો ઈરાન આડું ફાટતું ને ઈરાન કંઈ કહે તો અમેરિા રાવણ કાઢીને ઊભું રહી જતું. આ વખતે અમેરિકા અને ઈરાન બંનેએ જાહેરાત કરી છે કે, શાંતિ કરારની શરતો નક્કી થઈ ગઈ છે ને શુક્રવારે કરાર પર સહીસિક્કા પણ થઈ જશે.
ઈઝરાયલ આ કરાર મામલે આડું ફાટ્યું છે ને અમને પૂછ્યા વિના કેમ કરારની શરતો નક્કી કરી નાંખી એવો વાંધો ઊભો કર્યો છે પણ ઈઝરાયલના વાંધાની બહુ કિંમત નથી. ઈઝરાયલ અમેરિકાનું બગલબચ્ચુ છે.
ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ અમેરિકાના ઈશારે ફૂંફાડા માર્યા કરે છે કે જેથી ઈરાન દાબમાં રહે અને ઈઝરાયલની મર્દ રાષ્ટ્ર તરીકેની ઈમેજ પણ જળવાયેલી રહે. બાકી એક વાર અમેરિકાએ કહી દીધું પછી નેતન્યાહુ કે બીજા કોઈની અમેરિકાનો બોલ ઉથાપવાની હિંમત નથી. ઈઝરાયલ પણ લેબેનોન પર હુમલા કરવાનું ચાલુ રહેશે એવું કહે છે તેથી ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવામાં તો તેમને પણ વાંધો નથી.
આખી દુનિયા માટે આ બહુ મોટા સમાચાર છે કેમ કે ટ્રમ્પે એલાન કરી દીધું છે કે, આ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે અને ઈરાને આ વાતનો વિરોધ કર્યો નથી. ટ્રમ્પે ઈરાનનાં બંદરો ફરતે અમેરિકી નૌકાદળનાં જહાજોએ કરેલી નાકાબંધી હટાવવાની મંજૂરી પણ આપી દીધી છે. તેના કારણે હવે મિડલ ઈસ્ટમાંથી ક્રૂડ ઓઈલનો જથ્થો નિર્વિઘ્ને આખી દુનિયામાં પહોંચી શકશે.
બીજા બધા માલ-સામાનની હેરફેર પણ હવે નિરાંતે કરી શકાશે તેથી સોને હાશકારો થશે. આપણને વધારે હાશકારો થશે કેમ કે આપણો બે બાજુથી મરો થતો હતો.
ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા તેના કારણે આપણે આર્થિક રીતે ખુવાર થતા હતા ને હોર્મૂઝ સ્ટ્રેટ બંધ હોવાથી આપણાં જહાજો અટવાયેલાં તેથી નિકાસને પણ અસર પડેલી. એર કાર્ગો મારફતે થતી ડાયમંડ સહિતની ચીજો સિવાયની ચીજોની નિકાસ લગભગ અટકી જ ગયેલી. છેલ્લે છેલ્લે તો આપણાં જહાજો પર હુમલાનો સિલસિલો પણ ચાલુ થઈ ગયેલો. એક હુમલામાં તો આપણા ત્રણ નાવિકો પણ મરાયેલા. આપણે અમેરિકા સામે રાવ નાંખી તો અમેરિકાએ આપણને હડધૂત કરીને કાઢી મૂક્યા તેથી ઈજજતનો ફાલુદો થયેલો એ તો અલગ.
અમેરિકા-ઈરાન યુધ્ધ સમાપ્ત થશે એટલે આ બધું બંધ થઈ જશે ને ધંધા-ધાપા પાછા પહેલાંની જેમ ચાલુ થઈ જશે. આપણે ત્યાં તો યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલ ને રાંધણ ગેસમાં ભાવવધારો આવ્યો તેમાં લોકો વગર લેવેદેવે લાંબા થઈ ગયેલા. વધેલા ભાવ પાછા ઘટે તો આપણાં નસીબ પણ ભાવ ના ઘટે તો પણ વધવાનો સિલસિલો અટકે તોય ઘણું છે. કમ સે કમ નવો બોજ તો આપણા પર નહીં આવે?
ટૂંકમાં અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારત બિલકુલ ફાયદામાં જ છે. દુ:ખ એક જ વાતનું છે કે, આ કરાર કરાવવાનો જશ પાકિસ્તાન ખાટી ગયું છે. આપણે ત્યાં ચાપલૂસ ટીવી ચેનલો લાંબા સમયથી એવું ધૂપ્પલ ચલાવ્યા કરે છે કે, અમેરિકા અને ઈરાન બંનેએ પાકિસ્તાનને ઝટકાવી નાંખ્યું તેથી શાહબાઝ શરીફ ઘરમાં ભરાઈને બેસી ગયા છે. આ જૂઠાણા વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જ આ સમજૂતીની સૌથી પહેલા જાહેરાત કરીને લખેલું કે, લેબેનોન સહિત તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમ માટે રોકવા અમેરિકા અને ઈરાન સહમત થઈ ગયાં છે. શાહબાઝ શરીફે એ પણ જાહેરાત કરી કે, અમેરિકા અને ઈરાન 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં શાંતિકરાર પર હસ્તાક્ષર કરશે.
ભારત માટે આ મોટી રાજદ્વારી પીછેહઠ કહેવાય કેમ કે પાકિસ્તાન અને ઈરાનના સંબંધો સારા નથી. ઈરાન શિયાઓનો દેશ છે ને પાકિસ્તાનમાં સુન્નીઓની બહુમતી છે તેથી બંને વચ્ચે બાપે માર્યાં વેર છે. ઈરાન અલગ બલુચિસ્તાનની માગને ટેકો આપે છે એ મુદ્દે બંને વચ્ચે ચકમક ઝર્યા કરે છે. બંને વચ્ચે તો થોડા મહિના પહેલાં જંગ પણ થયેલો. બંનેએ એકબીજાના વિસ્તારોમાં બોમ્બમારો કરેલો. અમેરિકા સાથે પણ પાકિસ્તાનના સંબંધો બહુ ઉષ્માપૂર્ણ નથી જ.
બીજી તરફ અમેરિકા આપણું દોસ્ત હોવાનો દાવો કરે છે. ડોનલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીના દોસ્ત છે એ વાતે આપણે હરખાઈએ છીએ ને ટ્રમ્પ માય ડિયર ફ્રેન્ડ મોદી કહે તેમાં તો આપણે ગોળ ગોળ થઈ જઈએ છીએ. અમેરિકા પાસેથી શસ્ત્રોથી માંડીને ટેકનોલોજી સુધીનો કરોડોનો માલ આપણે લઈએ છીએ. ઈરાન સાથે પણ આપણા સારા સંબંધો જ છે ને યુદ્ધ શરૂ થયું પછી પણ ઈરાને આપણને મિત્ર ગણાવીને આપણાં જહાજોને પસાર થવા દેવાશે એવી ખાતરી આપી હોવાનો દાવો કરાયેલો. એ છતાં આપણાં જહાજો પર હુમલા થયા, આપણા નાવિકોની હત્યા કરાઈ ને શાંતિ મંત્રણામાં આપણો ભાવ પણ ના પૂછાયો.
આપણા વડા પ્રધાન ઈટાલીનાં વડા પ્રધાન મેલોનીને મેલોડી ખવડાવવામાં વ્યસ્ત હતા ત્યારે શાહબાઝ શરીફે અમેરિકા ને ઈરાનને મનાવીને કરાર કરવાનો તખ્તો તૈયાર કરી દીધો. આપણાં જહાજો પર હુમલાની ફરિયાદ કરી તો અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ એમ કહીને આપણને ધૂત્કારી કાઢ્યા કે, મિડલ ઈસ્ટમાં અમેરિકા કહે એમ જ કરવાનું રહેશે ને અમેરિકાની વિરુધ્ધ ચાલ્યા તો હુમલા પણ થશે ને માણસો પણ મરશે. ભારત જેવા વિશ્વમાં સૌથી વધારે વસતી અને સૌથી મોટું માર્કેટ ધરાવતા દેશ સાથે અમેરિકા આ ભાષામાં વાત કરવાની ગુસ્તાખી કરી જાય એ અમેરિકાની જોહુકમી તો બતાવે જ છે પણ આપણી નબળાઈ પણ બતાવે છે કેમ કે આપણે અમેરિકાને એ જ ભાષામાં જવાબ નથી આપી શકતા.
ખેર, આ બધા બળાપાનો મતલબ નથી. મુખ્ય વાત તો મિડલ ઈસ્ટમાં ફરી સ્થપાનારી શાંતિ છે. અમેરિકા અને ઈરાનના બે મહિનાથી ચાલતા યુદ્ધના કારણે આખી દુનિયામાં બધું સખળડખળ થઈ ગયું છે. શાંતિ કરારના કારણે મિડલ ઈસ્ટમાં શાંતિ થશે તો જિંદગી પાછી પૂર્વવત થવાની શરૂઆત થશે.
શાંતિ કરારના કારણે ઈરાનના ક્રૂડના વેચાણને મંજૂરી મળશે તો ભારત સહિતના દેશોને સાવ નજીકથી સસ્તામાં ક્રૂડ ઓઈલ મળતું પણ થશે. તેના કારણે પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવો કાબૂમાં રહેશે ને ઉદ્યોગોને અવિરત પુરવઠો મળતો રહેશે તેથી અર્થતંત્ર પણ તેજીમાં આવશે.