Sun May 31 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કડક કાયદો છતાં એનઈઈટી પેપર ફૂટ્યું એ શરમજનક

2026-05-13 08:03:04
Author: ભરત ભારદ્વાજ
Article Image

ભરત ભારદ્વાજ

દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (એનઈઈટી)નું પેપર ફરી એક વાર ફૂટી ગયું.  ફરી એક વાર આ પરીક્ષા રદ થતાં પરીક્ષા આપનારા 23 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભો થઈ ગયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એનઈઈટી લે છે. 2024માં પણ એનઈઈટીનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરીને નવેસરથી લેવી પડી હતી. 

બે વર્ષના ગાળામાં બીજી વાર પેપર ફૂટે એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય પણ એજન્સીએ નફ્ફટાઈથી જાહેર કર્યું છે કે, 3 મેએ રોજ યોજાયેલી એનઈઈટી 2026 પરીક્ષા રદ કરી દેવાઈ છે કેમ કે પેપર લીક થઈ ગયું હતું. આ વાત કેન્દ્ર સરકાર પાસે પહોંચાડાઈ તેથી કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરવાની મંજૂરી આપીને તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. આઘાતજનત વાત એ છે કે, દેશના તેજસ્વી ગણાતા વિદ્યાર્થીઓના ભાવિ સાથે થયેલી આ ખતરનાક રમત અંગે સરકાર સાવ ચૂપ છે. 

એજન્સીએ નવી પરીક્ષાની તારીખો ક્યાર લેવાશે તેનો ફોડ નથી પાડ્યો પણ એકદમ સરકારી રાહે સધિયારો આપી દીધો છે કે, નવેસરથી લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ જાહેર થશે ત્યાં સુધી 23 લાખ વિદ્યાર્થી અધ્ધર જીવે રહેશે. જે વિદ્યાર્થીઓનાં પેપર સારાં ગયાં છે એ મેડિકલમાં એડમિશન મળશે એવાં સપનાં જોતા હતા પણ પરીક્ષા રદ થતાં તેમનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. હવે એ લોકોનું ભાવિ પણ અનિશ્ચિત થઈ ગયું છે. પરીક્ષા રદના નિર્ણયે આ વિદ્યાર્થીઓને વગર લેવેદેવે માનસિક તણાવની ભેટ આપી દીધી છે. કરે કોઈ ને ભરે કોઈ જેવી તેમની હાલત થઈ ગઈ છે. 

સીબીઆઈ તપાસમાં શું બહાર આવશે એ ખબર નથી પણ અત્યારે બહાર આપેલી વિગતો પ્રમાણે, એનઈઈટીનું પેપર બહુ પહેલાં જ લીક થઈ ગયું હતું અને તેનું પગેરું રાજસ્થાનના સીકર સુધી પહોંચે છે. સીકરમાં ઘણા વિદ્યાર્થીઓને બહુ પહેલાં જ હાથે લખેલું પેપર મળી ગયું હતું. એનઈઈટી કુલ  720 માર્ક્સની હોય છે અને તેમાંથી 600 માર્કના પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થયા છે. વિદ્યાર્થીઓ સુધી જે ‘ક્વેશ્ચન બેંક’ પહોંચી તેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના 300થી વધુ પ્રશ્નો હતા. એક જ વ્યક્તિ દ્વારા હાથથી લખાયેલા આ પ્રશ્નોમાંથી 150 પ્રશ્નો એનઈઈટી યુજી2026ના પેપરમાં યથાવત્ આવ્યા છે.

એવું કહેવાય છે કે, કેરળની એક કોલેજમાં એમબીબીએસ કરી રહેલા વિદ્યાર્થીએ એક મેએ સીકરમાં પોતાના એક મિત્રને મોકલી આપ્યું હતું. આ મિત્રે સીકરના એક પીજી સંચાલકને આ પેપર વેચી માર્યું ને તેને પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આપીને રોકડી કરી લીધી.
 
વિદ્યાર્થીઓએ પોતે કરેલો ખર્ચ વસૂલવા માટે બીજાને પેપર વેચ્યાં ને એ રીતે હજારો વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચી ગયાં. પીજી સંચાલકને આટલું બધું ચિતરાઈ જશે એવી કલ્પના નહીં હોય તેથી આ બધું જોઈને તેની ફેં ફાટી ગઈ એટલે તેણે રાજસ્થાનના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને જાણ કરી દીધી કે, પોતાને એક ‘ક્વેશ્ચન બેંક’  મળી હતી કે જેણે કેટલાક વિદ્યાર્થીઓ અને કરિયર કાઉન્સિલર્સ ને મોકલી હતી. સંચાલકનો દાવો છે કે, એ વખતે તેને ખબર નહોતી કે,  ખરેખર ‘ક્વેશ્ચન બેંક’ નહીં પણ પેપર જ છે પણ પરીક્ષા પત્યા પછી પેપર લીક થયું હોવાની ખબર પડતાં જાણ કરી દીધી. 

સંચાલકે લેખિતમાં અરજી આપેલી તેથી એસઓજીનો કાર્યવાહી કર્યા વિના છૂટકો નહોતો. એસઓજીએ ઘોડા છૂટે પછી તબેલાને તાળાં મારવાનો ધંધો શરૂ કરીને દરોડા પાડીને દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂ વગેરે ઠેકાણે દરોડા પાડીને 13 શંકાસ્પદ વ્યક્તિઓને જેલભેગા કર્યા છે. સીકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલર સિવાય કેટલાક વિદ્યાર્થીને પણ અંદર કરાયા છે. તમામ શંકાસ્પદોની સોશ્યલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સ તપાસવામાં આવી રહ્યા છે કે જેથી અસલી ખેલાડી કોણ છે તેની ખબર પડે. હવે સીબીઆઈને તપાસ સોંપાઈ છે તેથી સીબીઆઈ માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા પ્રયત્ન કરશે. 

સીબીઆઈનો રેકોર્ડ મોટા લોકોની દલાલી કરવાનો છે તેથી આ કેસમાં કોઈ મોટું માથું પકડાય એવી આશા રાખવા જેવી નથી. સીબીઆઈ નાની નાની માછલીઓને પકડીને આ કેસ ઉકેલ્યાનો સંતોષ માનશે. સીબીઆઈ શું ઉકાળે છે તેની ખબર આપણને સમય આવ્યે પડશે જ પણ આ પેપર લીક એ વાતનો પુરાવો છે કે, આ દેશમાં પોપાબાઈનું રાજ ચાલે છે ને દેશના તેજસ્વી યુવાધનની કોઈને પરવા જ નથી. એનઈઈટી આપનારા બારમા ધોરણમાં ભણનારા હોંશિયાર વિદ્યાર્થીઓ હોય છે ને દેશના ભાવિ ડોક્ટરો છે. અત્યારથી તેમને તણાવ મળે કે એ લોકો અધ્ધર જીવે રહે તો તેમને આ દેશની સિસ્ટમમાં કઈ રીતે વિશ્વાસ રહેશે ? આ મહત્ત્વના મુદ્દા વિશે વિચારવાની કોઈને ચિંતા જ નથી. 

વધારે શરમજનક વાત એ છે કે, આ દેશમાં પેપર લીક રોકવા માટે કાયદો અસ્તિત્વમાં છે પણ અપરાધીઓને તેનો ડર જ નથી. 2024માં  નીટ અને યુજીસી-નેટનાં પેપર ફૂટ્યાં પછી નરેન્દ્ર મોદી સરકારે તાત્કાલિક રીતે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 લાગુ કર્યો હતો અને પાછલી અસરથી એટલે કે 21 જૂન, 2024થી તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો. 2024ના ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા આ કાયદાનો ઉદ્દેશ દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે. 

આ કાયદા હેઠળ સરકારી નોકરીઓની ભરતી માટેની પરીક્ષાઓમાં છેતરપિંડી બદલ ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ છે. ગેંગ બનાવીને પેપર લીક કરાશે તો તેને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગણીને ગેંગમાં સામેલ લોકોને 5 થી 10 વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ કરવાની પણ જોગવાઈ છે. 

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બદલ ઓછામાં ઓછાં પાંચ વર્ષની કેદની સજાની જોગવાઈ પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા, સેવા પૂરી પાડનાર અથવા અન્ય રીતે સામેલ સંસ્થા કે કંપનીઓને પણ આ જોગવાઈ લાગુ પડે છે. આ કાયદામાં મિલકત જપ્ત કરવાની પણ જોગવાઈ છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સામેલ આરોપીઓની સંસ્થા કે કંપનીઓની મિલકતો જપ્ત કરવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરીક્ષાનો ખર્ચ પણ તે સંસ્થા પાસેથી વસૂલવાની પણ જોગવાઈ છે.  આ રકમ એક કરોડ રૂપિયાના ઓછામાં ઓછા દંડ સિવાયની હશે.

આ કાયદા છતાં પેપર લીક થયું તેનો મતલબ શું ? પેપર લીક કરનારાએ સરકારને સીધો પડકાર જ ફેંક્યો છે કે તમારાથી થાય એ તોડી લો, અમે તો પેપર ફોડવાના જ. 

હવે સરકારે તેમને પાઠ ભણાવીને દાખલો બેસાડવાનો છે કે, પેપર ફોડીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરીને તમે નહીં બચી શકો.