ભરત ભારદ્વાજ
ભારતમાં ધર્મથી વધારે નફાકારક કોઈ ધંધો નથી ને ધર્મના નામે લોકોને બહુ સરળતાથી ધૂતી શકાય છે. આપણે ત્યાં સાવ લેભાગુઓ પણ ધર્મના નામે હાટડી ખોલીને બેસી જાય ને ભોળી, અબૂધ પ્રજાને ધૂતીને પોતાનાં ઘર ભરે એવા તો હજારો કિસ્સા જોવા મળે છે, પણ કોઈ મોટા મંદિરમાં આ જ ધંધો ચાલતો હોવાની ખબર પડે ત્યારે મોટો આઘાત લાગે.
અયોધ્યાના ભગવાન શ્રી રામ મંદિરમાં ચઢાવાના 7 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ દેશના કરોડો શ્રદ્ધાળુઓને આવો જ આઘાત આપી દીધો છે. પોતાના લોભ-લાલચ ને પૈસાની હવસ સંતોષવા નીચ લોકોએ ભગવાન રામને પણ ના છોડ્યા એ શરમજનક તો છે જ પણ આ દેશનાં લોકો માટે આંખ ઉઘાડનારી ઘટના પણ છે.
અયોધ્યાના રામમંદિરનો વહીવટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા ચંપત રાય કરે છે અને બીજા કારભારીઓ પણ ભાજપ તથા ભાજપના પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયા છે. ભાજપના નેતાઓએ જ આક્ષેપ કર્યો છે કે, કારભારીઓની રહેમ નજર હેઠળ શ્રદ્ધાળુઓ મંદિરમાં આસ્થાપૂર્વક રોકડ રકમ કે બીજું કંઈ પણ ધરે તેમાંથી કટકી થાય છે અને ધર્મ માટે વપરાવાના બદલે આ રકમ બારોબાર બહાર જતી રહે છે.
આઘાતની વાત એ છે કે, ચોરીના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે, પણ મંદિર ટ્રસ્ટના કારભારીઓ તેને ગણકારતા જ નહોતા. સમાજવાદી પાર્ટી સરકારમાં મંત્રી રહેલા પવન પાંડેએ દાવો કરેલો કે, રામ મંદિરના દાનમાંથી લગભગ સાડા સાત કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે, પણ ચંપત રાયે એમ કહીને હાથ ખંખેરી નાંખ્યા કે, આ વાત બકવાસ છે અને અત્યાર સુધી આવી કોઈ વાત બહાર આવી નથી.
યોગી સરકારમાં પણ મંદિરના દાનની રકમની ચોરીની ફરિયાદ કરાયેલા પણ યોગી સરકારે પણ કોઈ રસ નહોતો બતાવ્યો. છેવટે ભાજપના નેતાઓએ વડાપ્રધાન મોદીને ફરિયાદ કરવી પડી. તેમાં પણ પહેલા પત્રને તો ગણકારાયો નહોતો પણ દરમિયાનમાં હાઈ કોર્ટમાં અરજી થઈ ને ભાજપ નેતા ડો. રજનીશ સિંહે વડા પ્રધાન મોદીને બીજો પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી પછી તપાસ શરૂ થઈ. ડૉ. સિંહના પત્રને પગે 10 જૂને વડા પ્રધાન કાર્યાલય પીએમઓ એ મંદિર ટ્રસ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો પછી બધા દોડતા થઈ ગયા.
રામમંદિર ભવન નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રાએ તાત્કાલિક 10 જૂને જ ટ્રસ્ટના સભ્યોની બેઠક બોલાવીને દાનની રકમ, તેના ઉપયોગ અને હિસાબ-કિતાબ સહિતની તમામ બાબતો પર રિપોર્ટ બનાવવા ફરમાન કરવું પડ્યું. મંદિર ટ્રસ્ટે આબરૂ બચાવવા માટે શનિવારે યોગીને પત્ર લખીને ચોરીના દાવાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઇટી દ્વારા કરાવવાની માગ કરી નાંખી.
અત્યાર લગી ઊંઘી રહેલા યોગી પણ સફાળા જાગી ગયા ને કલાકોમાં તો લખનઊના મ્યુનિસિપલ કમિશનર વિજય વિશ્વાસ પંત, આઈપીએસ અધિકારી કિરણ એસ. અને એડિશનલ ફાઇનાન્સ સેક્રેટરી નીલ રતનની ત્રણ સભ્યોની એસઆઈટી બનાવી દીધી. એસઆઈટી બન્યાના કલાકોમાં તો મંદિરના કર્મચારી લવકુશ મિશ્રાના ઘરે દરોડો પબણ પડી ગયો અને આ દરોડામાં છાણાંમાં છૂપાવેલા 10 લાખ રૂપિયા મળી આવ્યા. બીજે છૂપાવેલી લાખોની રોકડ પણ મળી છે.
લવકુશ મંદિરમાં ચઢાવાની રકમ ગણવાનું કામ કરતો હતો. લવકુશના સસરા અને સાળો અનુકલ્પ મિશ્રા પણ મંદિરમાં નોકરી કરે છે ને સસરાએ જ લવકુશને નોકરીએ લગાડેલો. લવકુશની તપાસમાં અનુકલ્પ પણ સામેલ હોવાની વાત બહાર આવતાં તેને પણ પોલીસે ઉઠાવી લીધો છે. અનુકલ્પ અને લવકુશ બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે.
અનુકલ્પ અને લવકુશ પાસેથી બિનહિસાબી લાખોની રકમ મળી આવી તેના પરથી મંદિરમાંથી ચોરી થતી હોવાની વાત તો સાચી સાબિત થઈ જ ગઈ છે પણ અસલી ચોરો પકડાવા વિશે શંકા છે. એસઆઈટીએ અચાનક જ હરકતમાં આવીને ધડાધડ કાર્યવાહી કરી તેના પરથી લાગે છે કે, આ અસલી ચોરોને બચાવીને અનુકલ્પ અને લવકુશ જેવા નાના ચોરોને ફિટ કરી દેવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
એસઆઈટી સાત દિવસમાં રિપોર્ટ આપવાની છે. આ રિપોર્ટમાં શું બહાર આવશે એ ખબર નથી પણ એસઆઈટીએ મંદિરના મોટા કારભારીઓને હાથ પણ નથી લગાડ્યો એ જોતાં અત્યારે તો નાના ચોરો પર બધું આળ ઢોળી દેવાશે એવું લાગે છે.
અત્યાર સુધી થયેલા આક્ષેપોમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિતના કારભારીઓ જ ચોરીના ખેલના પડદા પાછળના અસલી ખેલાડી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મહિપાલસિંહ ફેબ્રુઆરી 2021 થી જુલાઈ 2022 સુધી રામ મંદિરના એકાઉન્ટ ઓફિસર હતા. મહિપાલસિંહે આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં 2021થી ચોરી થઈ રહી છે. દાનમાં આવતા સોના-ચાંદીનો કોઈ લેખિત રેકોર્ડ રાખવામાં આવતો નથી, સોના-ચાંદી સહિતના ધાતુના દાનના ફોટો લેવામાં આવતા ને પછી આ બધી ચીજો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મોકલી દેવામાં આવતી હતી.
આ કિંમતી સામાન ક્યાં જમા થતો હતો તેની ખબર કોઈને નથી. ચંપત રાયનો ડ્રાઈવર રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ આવીને બધું લઈ જતો ને પછી એ બધું ક્યાં જતું તેની કોઈને ખબર નથી. એ જ રીતે દાનની રોકડ રકમ બેંકમાં જમા કરાવવા માટે પણ રામશંકર યાદવ જ જતો. મહિપાલસિંહે દરરોજ કેટલી રકમ આપી તેનો રેકોર્ડ રાખવા માટે રામશંકર યાદવ રોકડ લઈ જાય ત્યારે વાઉચર પર તેની સહી લેવાની સિસ્ટમ શરૂ કરાવેલી પણ રાયે એ સિસ્ટમ બંધ કરાવી દીધી હતી. તેના કારણે વરસોથી દાનપેટીમાંથી નિકળેલી તમામ રકમ બૅન્કમાં જમા કરાવવા વિશે પણ શંકા છે.
મહિપાલ સિંહે ગંભીર આક્ષેપ એ કર્યો છે કે, મંદિરમાં ચોરી રોજ થતી હતી અને મેં પોતે ચોરી પકડી હતી. તેની ફરિયાદ રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને સભ્ય ગોપાલજીને કરતાં જ બીજા જ દિવસે ચંપત રાયે મને હટાવી દીધો હતો. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના આઠ મહિના જૂના ફૂટેજ ડિલીટ કરાવી દેવામાં આવ્યા હતા. મહિપાલસિંહે બીજા પદાધિકારીઓનાં નામ પણ લીધાં છે.
આ ઘટનાક્રમ અત્યંત આઘાતજનક છે. તપાસમાં શું બહાર આવશે ને ખરા ચોરોને સજા થશે કે નહીં એ ખબર નથી પણ હિંદુઓની આંખો આ ઘટના પછી ખૂલવી જોઈએ. ધર્મમાં શ્રદ્ધા હોવી અને ધર્મના નામે દાન કરવામાં કશું ખોટું નથી પણ આ દાન ધર્મના ભલા માટે નહીં પણ ચોરી કરીને ચોક્કસ લોકોના ભલા માટે જ વપરાય ત્યારે એ અધર્મ બની જાય છે. આપણે ત્યાં બધાં મંદિરોમાં આ અધર્મ નથી થતો પણ મોટા ભાગનાં મંદિરોમાં થાય છે.
આ અધર્મ થાય છે કેમ કે હિંદુઓ કાયર છે ને પોતાના જ ધર્મના નામે થતા જાકુબીના ધંધાઓ સામે કશું બોલ્યા વિના કે કર્યા વિના બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી રહે છે. અબજો રૂપિયાનું દાન મેળવતાં મંદિરો હિંદુઓ માટે કશું કરતાં નથી ને મૂઠઠીભર લોકો આ દાનની રકમ પર તાગડધિન્ના કરે છે. ધર્મના ઠેકેદારો તેની સામે ચૂપ છે, સરકાર ચૂપ છે ત્યારે હિંદુઓએ પોતે જ આ ચોરોને તગેડવા બાંયો ચડાવવી પડે, બાકી હિંદુત્વના નામે આ ધંધા ચાલતા જ રહેશે.