Thu Jun 25 2026

Logo

આધુનિકતાની આંધળી દોડ: કાચની ઈમારતો અને મોબાઈલ ટાવર્સ પક્ષીઓ માટે કેવી રીતે બન્યા સાયલન્ટ કિલર?

2026-06-04 14:02:00
Author: Darshana Visaria
Article Image

Ai Image


આપણા ઘર આંગણે સવાર-સવારમાં સંભળાતો ચકલીઓનો કિલકિલાટ અને આકાશમાં મુક્ત મને વિહાર કરતા પક્ષીઓના ઝુંડ હવે ધીમે-ધીમે માત્ર યાદો અને ફોટોમાં જોવા મળી રહ્યા છે. મોટા મોટા શહેરો, ગામડાઓ અને ગાઢ જંગલોમાંથી પક્ષીઓનું આ રીતે ધીરે-ધીરે ગાયબ થવું એ સમગ્ર વિશ્વ માટે એક અત્યંત ગંભીર એન્વાર્યન્મેન્ટ ઈમર્જન્સીની ઘંટડી સમાન છે. સંશોધકોના મતે, માનવ ઇતિહાસમાં અત્યાર સુધીમાં 1400થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ હંમેશા માટે લુપ્ત થઈ ચૂકી છે. આજે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આખરે આ પાછળનું કારણ શું છે અને કઈ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે... 

વન્યજીવ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે કે જો આપણે સમયસર નહીં ચેતીએ, તો આવનારી પેઢી પક્ષીઓને માત્ર પુસ્તકો અને તસવીરોમાં જ જોઈ શકશે. વાત કરીએ પક્ષીઓની સતત ઘટતી વસ્તી પાછળનું સૌથી મોટું અને મહત્ત્વનું કારણ છે તેમના નેચરલ હેબિટેટની કમી... જેમ-જેમ ગગનચુંબી ઈમારતો અને ઉદ્યોગોનો વિસ્તાર થઈ રહ્યો છે, તેમ-તેમ લીલાછમ વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, જેના કારણે પક્ષીઓ પોતાના માળા બનાવવાની જગ્યા ખોઈ બેઠા છે. 

આધુનિક કાચની ઈમારતો અને સીલબેન્ડ એપાર્ટમેન્ટ્સમાં પક્ષીઓ માટે ક્યાંય વેન્ટિલેશન કે નાની જગ્યા બચી નથી. આ ઉપરાંત, મોબાઈલ ટાવરોમાંથી નીકળતું ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ચકલી જેવા નાના પક્ષીઓની દિશા નિર્ધારણ પ્રણાલી અને તેમની આંતરિક નેવિગેશન સિસ્ટમને ખોરવી નાખે છે, જેના લીધે તેઓ અકાળે મોતના મુખમાં ધકેલાય છે.

વધતા પ્રદૂષણની સાથે-સાથે આધુનિક કૃષિ પદ્ધતિ પણ પક્ષીઓ માટે કાળ સાબિત થઈ રહી છે. પાકો પર બેફામ છાંટવામાં આવતા રાસાયણિક પેસ્ટિસાઈડ્સે નાના જીવજંતુઓ અને અળસિયાઓનો નાશ કરી દીધો છે, જે પક્ષીઓ અને તેમના નવજાત બચ્ચાઓનો મુખ્ય ખોરાક હતા. ભોજનની આ તીવ્ર અછત અને ઝેરી રસાયણોની અસરને કારણે પક્ષીઓનો પ્રજનન દર પણ ચિંતાજનક રીતે ઘટી ગયો છે.

ઈતિહાસ સાક્ષી છે કે માનવીય લોભ અને શિકારના કારણે ૧૭મી સદીમાં પ્રખ્યાત 'ડૂડો' પક્ષી હંમેશ માટે લુપ્ત થઈ ગયું. ઉત્તરી અમેરિકામાં ક્યારેક અબજોની સંખ્યામાં જોવા મળતા 'પેસેન્જર પિજન' પણ માત્ર અતિશય શિકારના લીધે વર્ષ 1914 સુધીમાં નામશેષ થઈ ગયા. આ જ રીતે 'ગ્રેટ ઓક', 'કાઉઈ અકિયાલોઆ' અને 'લાફિંગ આઉલ' જેવા અદભુત પક્ષીઓ પણ કાં તો બીમારીઓ અથવા જંગલોના નિકંદનને કારણે પૃથ્વી પરથી ગાયબ થઈ ગયા છે. 

કુદરતના આ માસૂમ જીવો આપણી જીવસૃષ્ટિની કડી છે, અને જો તેમને બચાવવા માટે અત્યારથી નક્કર પગલાં નહીં લેવાય, તો આ પર્યાવરણીય અસંતુલન માનવજાત માટે પણ વિનાશક સાબિત થશે.