Wed Jun 17 2026

Logo

ટેક-ઓફ બાદ તરત જ એન્જિન ખોટકાયું; દિલ્હીથી લેહ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

2026-02-24 11:37:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ઝારખંડમાં થયેલ પ્લેન ક્રેશની ઘટનાના સમાચાર વચ્ચે દિલ્હીથી લેહ જઈ રહેલા સ્પાઇસ જેટના એક વિમાન (બોઈંગ 737)નું આજે દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ઉડાન ભરતાની સાથે જ એન્જિનમાં કોઈ ટેકમિકલ ખામી સર્જાય હતી અને તેના કારણે લેહ જવાને બદલે દિલ્હી એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં લગભગ 150 જેટલા મુસાફરો સવાર હોવાની વિગતો છે.

સૂત્રોએ આપેલી વિગતો અનુસાર,  એન્જિન નંબર 2 ફેલ થવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. લેન્ડિંગ બાદ મુસાફરો માટે મુસાફરીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી શક્યતા છે. સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીના કારણે દિલ્હીથી લેહ જઈ રહેલા વિમાનને પરત બોલાવવું પડ્યું હતું. વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું અને તમામ મુસાફરોને વિમાનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોકપિટમાં ફાયર વોર્નિંગનો કોઈ સંકેત મળ્યો નહોતો.

અહેવાલો છે કે જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ SG121 દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવાના થઈ હતી. ટેક-ઓફના તુરંત બાદ જ ક્રૂ મેમ્બર્સને ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. સાવચેતીના પગલાં રૂપે પાયલટોએ પ્લેનને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પ્લેનનું સંપૂર્ણ પ્રોટોકોલ સાથે લેન્ડિંગ કરાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓની સાથે મેડિકલ ટીમ અને ફાયર સર્વિસ પણ ત્યાં હાજર છે.