ડૉ. બળવંત જાની
ચારણ આઈના સામાજિક-સાંસ્કૃતિક પ્રદાનની બહુ મૂલવણી આપણે કરી નથી. નારી સશક્તિકરણ, નારીની મહત્તા પ્રસ્થાપિત કરનારા ચારણઆઈઓ સમાજ સુધારા સંદર્ભે પણ મહત્ત્વનું કામ કરેલું. કન્યા વિક્રય, કન્યા શિક્ષણ, પશુહિંસા, માંસ-મદિરા અને વ્યસન મુક્તિ જેવા અનેક દુર્ગુણોને દૂર કરીને સમાજ સુધારણાનું બહુ મોટું કામ આઈઓ દ્વારા થયેલું છે.
એમની અધ્યાત્મસિદ્ધિઓથી સમાજ એમને સમાદરથી પૂજે અને એમની વાત માને એવી અવસ્થિતિની રચના થયેલી. આમાં મને આઈ સોનલમા મોટા ગજાના ભક્તહૃદયા, સિદ્ધિપ્રાપ્તા, સમાજસુધારક યોગીની જણાયા છે. તેઓ અનેક ચારણ કવિઓ દ્વારા રચાયેલ સ્તોત્રો, ચરજો, પદો, છંદોનો નિત્ય પાઠ કરતા. હરીરસનું તેઓએ કરેલ વિવરણ તેમની વિદ્વતાનું દ્યોતક છે.
ઈ.સ.1968-69ની સાલમાં મારા દાદાજી પારેવાળા સાથે મને લઈ ગયેલા. રામભાઈ રાયખાને ઓરડે એમના દર્શન કર્યાનું મારી સાંભરણમાં છે. હું મેટ્રિકની પરીક્ષાના પરિણામની રાહમાં હતો. રામભાઇએ કહેલું ભણે પોપટ મારાજ એમના પોતરાને લઈ આવ્યા છે. દાદાજીએ મને એમના ખોળામાં માથું નમાવવાનું કહેલું. એમનો વત્સલ હાથ મારા મસ્તક ઉપર ફરેલો. એમના આશીર્વાદ મળેલા.
મારું અને પિતાશ્રીનું પણ પારેવાળા સાથે જોડાણ, કથા-વારતા, લગન કે અનેક અવસરે ચારણ ડાયરાને મળવાનું બને. જતાં વેંત વિહોતમાતાને ગઢે. ત્યાંથી ચા પીને પછી ગગીમા, સોનામા, પુરામા એમ વિવિધ ઘેરે સહુને મળી દાન દક્ષિણા લઈ પરત થઈએ. બધા જ ઘેર સોનલઆઈના ભવ્ય વ્યક્તિત્વ અને તેજસ્વી મુખમુદ્રાનો ફોટો જોયો છે.
રામભાઇ રાયખા તો ચારણ સમુદાયમાં ભારે પ્રતિષ્ઠિત નામ એમનું ભવ્ય બાંધકામવાળું નિવાસસ્થાન, તેઓ પ્રમુખ પણ હતા. ચારણ બોર્ડિંગ માટે પણ આદરણીય હતા. તેમના મુખે વિહતમાતાના મઢે મેં અને દાદાજીએ તા.31-5-1974 જૂનાગઢમાં થયેલી ભવ્યતુલાવિધિની વાતો સાંભળવાનું મારે બનેલું. મને પુન: મળવાની-દર્શનની ઈચ્છા જાગેલી. અમારે ઘેર પણ અંબામા, બહુચરામાની છબીની લગોલગ એમની અને અન્નપૂર્ણામાની છબી અમારા ઘર મંદિરમાં રહેતી.
વનપ્રવેશ પછી તુલાવિધિ અને તા.27-11-1974 તો અનંતની યાત્રા, ખૂબ ઓછી ઉંમરમાં એમણે કરેલ કાર્ય, પ્રાપ્ત કરેલી અને પ્રસરાવેલી સિદ્ધિ વીસમી સદીની અધ્યાત્મ ચેતનાનું શ્રીમાતાજી પછીનું મોટું દ્રષ્ટાંત છે. એમનું તપ, તેજ એમની સમાજસેવા અને શુભદૃષ્ટિ સમગ્ર માનવજાત માટે વરદાનરૂપ બની. કવિ કાગે એમની સ્તુતિ કરતાં ગાયું છે કે,
સોનલમા આભકપાળી, ભજુ તેને ભેળિયાવાળી. કેટલું ખરું શબ્દચિત્ર આંક્યું છે. સોનલઆઈકૃત પ્રાર્થના-ગીત રચના આસ્વાદીએ. આઈ સોનલકૃત પ્રસ્તુત પ્રાર્થના રચના ખૂબ જ લોકપ્રિય છે. અનેક સ્થાને પ્રસંગે એનું ગાન થતું હોય છે અને કાર્યક્રમોમાં કલાકારો એને પ્રસ્તુત કરતા હોય છે. એનો પાઠ અવલોકીએ અને પછી આસ્વાદ....
રાગ - ભૈરવી (જયજયભવાની - અંબિકે! એ પ્રાર્થનાનો ઢાળ)
હે ચારણી! સુખકારિણી! બ્રહ્મચારિણી! આયે શરણ;
સચ્ચિદાનંદે શારદે! મંગલમયી પ્રણમે ચરણ. (ધ્રુવ પંક્તિ)
અંબિકે! આવડ-આશપૂર્ણે હૈં તિંહારે બાલ હમ (2);
જગતારિણી-અઘહારિણી કરું પ્રણતકી પ્રતિપાલ તુમ હે ચારણી 1
પૂર્વજ સદશ નીતિ પથિક હોં, માતૃભૂમિકે ભક્ત હમ (2);
શૂરે ઉદારઅ રૂ સત્ય વક્તા, અમૃતમયી અનુરક્ત હમ હે ચારણી 2
દૃઢ વીરવ્રતી સેવબ બનેં, અરૂ પઢેં શમ દમ પાઠ હમ (2);
અગ્નિપરીક્ષામેં અડિગ રહ, બઢેં સંયમ બાટ હમ હે ચારણી 3
યમ યાતના હો નર્ક દુ:ખ, ર્ક્તવ્ય પથ છોડેં ન હમ (2);
દમ દમ તિહારા જપ જપેં, મર મિટેં, મુખ મુમોડે ન હમ હે ચારણી 4
આશિષ ઉચારો, અન્નપૂર્ણેત્ત, શ્રી ચરણમેં લીન હો મન (2);
હમ હૃદય સીંચો અમૃત સોનલ, પ્રેમમયી લાગે લગન.
હે ચારણી પ
અહીં જગદંબા-માતૃશક્તિની આરાધના કેન્દ્રમાં છે. એના પંચસ્વરૂપની અહીં પ્રારંભે વિગત છે. સુખદાયિની, બ્રહ્મચારિણી, સત્ચિદાનંદ સ્વરૂપા સરસ્વતી તમારે શરણે છીએ. તમારા મંગલકારી ચરણે પ્રણામ કરીએ છીએ.
હે અંબિકા, આવડ, આશાઓ પૂર્ણ કરનારી માતા અમે તમારાં બાળકો છીએ. જગતને તારવાવાળી, પાપને હરવાવાળી, તમે અમારું પ્રતિપાળ-રક્ષણ કરવાવાળા છો. અમે નીતિને માર્ગે ચાલવાવાળા અને માતૃભૂમિના ભક્ત બની રહીએ, શૂરવીર, ઉદાર અને સત્યવક્તા બની રહીએ. અમૃતમયી માતા અમે તારામાં અનુરક્ત રહીએ હે સુખદાયીમા અમે તારે શરણે છીએ.
હે મા, અમે દૃઢતાપૂર્વક વીરવ્રતધારી, તારા સેવક તરીકે જ રહીએ અને ચિંતન, મતન લેખનરત રહીએ. અનેક કષ્ટો કે અગ્નિપરીક્ષામાં અમે પાર ઉતરીએ. અમો સદાય સંયમી રહીએ અને સ્નેહ વહેંચીએ. હે મા. અમે તમારા શરણે છીએ.
યમ જેવી યાતના કે નર્કનું દુ:ખ હોય પરંતુ અમે ર્ક્તવ્યપથ પરથી સહેજ પણ વિચલિત ન થઈએ. ક્ષણે-ક્ષણે અને શ્વાસોશ્વાસ તારા જાપ જપીએ અને તને ભજતા મોતને ભેટતા પણ ડરીએ નહીં અને અમે ર્ક્તવ્ય પથથી જરા પણ મોઢું ન મચકોડીએ. હે મા. અમે તમારે શરણે છીએ.
હે મા અન્નપૂર્ણા તમે આશીષ અર્પો કે અમે તારી ભક્તિમાં, તારા સ્મરણમાં જ લીન રહીએ. સોનલ કહે છે કે અમારા હૃદયમાં અમૃતનું સિંચન કરો. હે મા તમારા દર્શન, ભક્તિની જ પ્રેમસભર લગની-ભાવ પ્રગટે. અમે તારે શરણે છીએ.
પ્રત્યેક ચારણે માતૃશક્તિ પાસે શું માગવાનું હોય એવું મહિમન્નસ્તોત્ર પ્રસ્તુત પ્રાર્થનાકાવ્ય છે. આઈ સોનલને દેવી ભાગવત, વિવિધ ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન હતું. એ અભ્યાસ પણ પ્રસ્તુત સ્તવન રચનામાંથી પ્રગટતી અનુભવાય છે.
સમગ્ર સમાજના ઉત્થાન માટે, નવજાગરણ માટે આઈ સોનલનો પ્રતિબોધ એમની રચનામાં સચવાયો છે. અહીં લય, પ્રાસ અને નાદ તત્ત્વનું નિરૂપણ એમની કાવ્યશક્તિનું પરિચાયક છે. ચારણી સ્તવન કાવ્યોમાં સોનલઆઈકૃત રચના ભાવ અને ભાષાને કારણે મહત્ત્વની બની રહે છે.