Wed Sep 09 2026

Logo

ભચાઉના લાકડિયા ખાતે ૧૬ જિલ્લામાંથી જપ્ત કરાયેલાં રૂ. ૧૦૩.૬૫ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

2026-07-21 13:22:00
Author: Mumbai Samachar Team
ભચાઉના લાકડિયા ખાતે ૧૬ જિલ્લામાંથી જપ્ત કરાયેલાં રૂ. ૧૦૩.૬૫ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

સૌરાષ્ટ્ર એન્વાયરો ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ૧૫ હજાર કિલો માદક પદાર્થોનો નાશ; ૪૪૬ કેસનો મુદ્દામાલ ભઠ્ઠીમાં સળગાવાયો 

ભુજઃ રાજ્યમાંથી નશાના વ્યાપક બનતાં જતાં દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ પર લાકડિયા નજીક આવેલી 'સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રા. લિમિટેડ' કંપની ખાતે રાજ્યના અલગ-અલગ ૧૬ પોલીસ જિલ્લામાંથી જપ્ત કરાયેલાં રૂા. ૧૦૩ કરોડ ૬૫ લાખના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થાનો વિધિવત રીતે સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી અંગે માહિતી આપતાં પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું હતું કે, વિવિધ પોલીસ મથકો હેઠળ નોંધાયેલા કુલ ૪૪૬ કેસમાં જપ્ત કરાયેલા અંદાજે ૧૫,૦૦૦ કિલો નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આ જથ્થામાં મુખ્યત્વે ચરસ, એમ.ડી. ડ્રગ્સ, ગાંજો અને પોષડેડા સહિતના ઘાતક નાર્કોટિક્સનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલને પર્યાવરણના નિયમોનું ચુસ્ત પાલન કરીને કંપનીના ખાસ ભઠ્ઠામાં ખાખ કરી દેવાયો હતો.

આ મહત્ત્વની કામગીરી વેળાએ એ.ડી.જી.પી. ખુર્શીદ અહેમદ, આઇ.જી.પી. કે.એન. ડામોર, બોર્ડર રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુ, રાજકોટ ડી.સી.પી. ઝોન-૧ હેતલ પટેલ સહિત વિવિધ એજન્સીઓ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, પૂર્વ-પશ્ચિમ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી જપ્ત થયેલો નશીલો પદાર્થ અહીં લાવીને નાશ કરાયો હતો. પોલીસ તંત્રના આ કડક પગલાંથી નશાના કાળા કારોબારમાં સંકળાયેલા અસામાજિક તત્ત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. 

(ઉત્સવ વૈદ્ય)