Sun Sep 06 2026

Logo

કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સની ભરતી જારી: અબડાસાના ખુડા પાસેથી ચરસના ૧૦ બિનવારસ પેકેટ ઝડપાયા

2026-05-13 13:47:00
Author: Mumbai Samachar Team
કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સની ભરતી જારી: અબડાસાના ખુડા પાસેથી ચરસના ૧૦ બિનવારસ પેકેટ ઝડપાયા

ભુજઃ કચ્છની સંવેદનશીલ દરિયાઈ સીમા પરથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. અબડાસા તાલુકાના ખુડા ગામ નજીકથી  મંગળવારે સુરક્ષા એજન્સીઓને ચરસના ૧૦ પેકેટ મળી આવતા સરહદી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સરહદી વિસ્તારોમાં રૂટિન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખુડા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં ૧૦ પેકેટો મળી આવ્યા હતા. જેની તપાસ કરતા તેમાં ચરસ હોવાનું ફલિત થયું હતું. આ પેકેટો ક્યાંથી આવ્યા અને કોણે ફેંક્યા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને અડીને આવેલો કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સરહદ ધરાવતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. છેલ્લા લાંબા સમયથી કચ્છના ક્રીક વિસ્તાર અને દરિયાકાંઠેથી સમયાંતરે ચરસના પેકેટો મળી રહ્યા છે. સામાન્ય રીતે દરિયામાં સ્મગલરો દ્વારા પકડાઈ જવાની બીકે ફેંકી દેવાયેલો નશાનો જથ્થો ભરતીના પાણી સાથે કિનારે તણાઈ આવતો હોય છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભારતીય સીમામાં નશીલા પદાર્થો ઘુસાડવા માટે કચ્છના સમુદ્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ૧૦ પેકેટો પાછળ કયું મોટું નેટવર્ક સક્રિય છે, તેની સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલમાં સમગ્ર અબડાસા અને જખૌના દરિયાકાંઠે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

(ઉત્સવ વૈદ્ય)