Tue Aug 25 2026

Logo

કંડલા બંદરે DRIની મોટી કાર્યવાહી: UAE મારફતે ઘૂસાડાતી રૂ. 3 કરોડની પાકિસ્તાની ખજૂરના 13 કન્ટેનર જપ્ત

2026-08-06 10:51:00
Author: Mumbai Samachar Team
કંડલા બંદરે DRIની મોટી કાર્યવાહી: UAE મારફતે ઘૂસાડાતી રૂ. 3 કરોડની પાકિસ્તાની ખજૂરના 13 કન્ટેનર જપ્ત

ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનથી થતી આયાત પર લાદવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધને ટાળવા માટે ત્રીજા દેશો મારફતે કરવામાં આવતી દાણચોરી સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ મોટી સફળતા મેળવી છે. ડીઆરઆઈની ટુકડીએ પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા પરથી નાપાક પાકિસ્તાની મૂળની ૩૬૪ મેટ્રિક ટન જેટલી સૂકી ખજૂરનો જંગી જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ૧૩ કન્ટેનરોમાં લાવવામાં આવેલી આ સૂકી ખજૂરની અંદાજિત બજાર કિંમત રૂ. ૩ કરોડ જેટલી આંકવામાં આવી છે.

ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા બંદર પર શંકાસ્પદ ૧૩ કન્ટેનરોને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી. આયાતકારો દ્વારા કાગળો પર આ માલ સંયુક્ત આરબ અમીરાતથી આયાત થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પરંતુ અધિકારીઓની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો હતો કે, આ જથ્થો મૂળ પાકિસ્તાનનો હતો. આયાતકારોએ સરકારી પ્રતિબંધમાંથી બચવા માટે પહેલાં માલ પાકિસ્તાનના કરાચી બંદરેથી દુબઈના 'જેબેલ અલી' બંદરે પહોંચાડ્યો હતો. ત્યાં કન્ટેનર્સ અને દસ્તાવેજો બદલીને મૂળ દેશ યુએઈ દર્શાવી બનાવટી ઇન્વોઇસ અને બોગસ કંપનીઓના નામે કન્સાઇનમેન્ટ ભારત રવાના કર્યું હતું. કસ્ટમ્સ છેતરપિંડી આચરવામાં આવી હોવાથી કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની જોગવાઈઓ હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ અગાઉ પણ ડીઆરઆઈ દ્વારા તુતીકોરિન બંદરેથી સોમાલિયાના નામે અને દુબઈ વાટે રૂટ કરીને લાવવામાં આવેલું ૧૪ મેટ્રિક ટન પાકિસ્તાની 'ગુગ્ગુલ ગુંદર' (કોમિફોરા રેઝિન) ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ. ૧.૪ કરોડ હતી. ગુગ્ગુલ રેઝિન CITES પરિશિષ્ટ-II માં સૂચિબદ્ધ છે અને IUCN રેડ લિસ્ટમાં અત્યંત ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે વર્ગીકૃત છે. આ કેસમાં બોગસ દસ્તાવેજોના આધારે ટ્રાન્સ-શિપમેન્ટ કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના નોટિફિકેશન તથા સુધારેલી ફોરેન ટ્રેડ પોલિસી મુજબ, પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા કે નિકાસ થતા તમામ માલની સીધી કે અપ્રત્યક્ષ આયાત અને ટ્રાન્ઝિટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ઉલ્લેખનીય છે કે, કંડલા બંદરેથી ભૂતકાળમાં પણ દેશવિરોધી અને ગેરકાયદેસર કન્સાઇનમેન્ટ પકડાવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં  આવી ચુક્યા છે. 

ઓગસ્ટ-૨૦૦૩માં ઈરાનથી મસાલા અને સુકોમેવો લાવી દસ્તાવેજોમાં કિંમત ઓછી દર્શાવી આયાત ડ્યુટી બચાવવાનો મોટો કેસ પકડાયો હતો. એપ્રિલ-૨૦૨૨માં ડીઆરઆઈ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી 'જીપ્સમ પાવડર'ના નામે લાવવામાં આવેલા કન્ટેનરમાંથી રૂ.૧૪૩૯ની કિંમતનું ૨૦૫ કિલો હિરોઈન જપ્ત કરાયું હતું.

વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં મધ્યપૂર્વના દેશોમાંથી 'બેઝ ઓઈલ'ના નામે યુઝડ એન્જિન ઓઈલ અને પ્રતિબંધિત રસાયણો ઘૂસાડી મોટી કસ્ટમ ડ્યુટી ચોરી ઝડપાઈ હતી.ત્યારબાદ વર્ષ-૨૦૨૦માં ચીનથી દસ્તાવેજી ઘાલમેલ કરીને બ્રાન્ડેડ ઈલેક્ટ્રોનિક્સ, રમકડાં અને પ્રતિબંધિત ઈ-સિગારેટ લાવવાનો કારસો નિષ્ફળ બનાવાયો હતો. વર્ષ-૨૦૧૯માં ઇન્ડોનેશિયા અને શ્રીલંકાથી ઊંચી આયાત જકાત ધરાવતી સોપારીને સસ્તા માલસામાનના નામે દર્શાવીને કરોડોની કરચોરી આચરવામાં આવી હતી.

(ઉત્સવ વૈદ્ય)