Mon May 25 2026

Logo

દિયોદરમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છતાં ભાજપની રમતે ચૂંટણી મોકૂફ રહી! કોંગ્રેસના તંત્ર-ભાજપની મિલીભગતના આક્ષેપ

2026-05-25 22:31:00
Author: Devayat Khatana
Article Image

દિયોદર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ચૂંટાયેલા નેતાઓ વિવિધ હોદ્દાઓ ધારણ કરી રહ્યા છે, આ દરમિયાન વાવ થરાદ  જિલ્લામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને આ દરમિયાન ભાજપના જ સભ્યોમાં અંદરોઅંદર થયેલી બોલાચાલીના કારણે ભારે વિવાદ સર્જાયો હતો અને આખી પ્રક્રિયાને 27મી તારીખ સુધી મોકૂફ રાખી દેવામાં આવી હતી. આ મુદ્દે કોંગ્રેસે તંત્ર પર માછલાં ધોયા છે, કોંગ્રેસનો આક્ષેપ છે કે કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં તંત્ર અને ભાજપની મિલીભગતને કારણે બેઠક મોકૂફ રાખવામાં આવી છે. કોંગ્રેસે વ્યારા, આણંદ સહિતની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતમાં 20 માંથી 13 બેઠકોની સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસના સભ્યો જ્યારે મતદાન માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસની 11 ગાડીઓએ તપાસના બહાને તેમને કલાકો સુધી રોકી ગેરકાયદે  પોલીસ સ્ટેશનની અંદર બેસાડી રાખ્યા હતા. વિરોધ પક્ષના નેતાની પ્રત્યક્ષ હાજરી છતાં સુરત અને નવસારી જિલ્લાની પોલીસે સત્તાધારી ભાજપના કાર્યકરોની જેમ વર્તીને કોંગ્રેસના સભ્યોને મીટિંગમાં જતા અટકાવ્યા હતા, જે વહીવટી તંત્રની એકતરફી દાદાગીરી અને સત્તાના જોરે લોકશાહીને ખતમ કરવાના પૂર્વઆયોજિત પ્રયાસોને ખુલ્લા પાડે છે.

તેમણે વાવ થરાદ જિલ્લાના બનાવ અંગે વાત કરતાં કહ્યું હતું કે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ બહુમતી ધરાવતો હોવા છતાં નિયત સમય કરતાં એક કલાક મોડા આવેલા ચૂંટણી અધિકારી (પ્રાંત કલેક્ટર)ની હાજરીમાં બેઠક શરૂ થતાંની સાથે જ ભાજપના સભ્યોએ પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ અંદરોઅંદર હોબાળો શરૂ કર્યો હતો. બીજી તરફ, કોંગ્રેસના તમામ સભ્યો  શિસ્ત અને શાંતિ જાળવીને બેઠા હોવા છતાં, ચૂંટણી અધિકારીએ કોઈ પણ વ્યાજબી કારણ વિના 'સ્થિતિ કાબૂ બહાર છે' તેવું  બહાનું ધરીને બેઠક તાત્કાલિક મુલતવી રાખી હતી. ત્યારબાદ અધિકારી 27 તારીખે મિટીંગ કરવા માટેની જાહેરાત કરે છે. કારણ કે કોંગ્રેસના સભ્યોમાં એક મહિલા ગર્ભવતી છે જેને ડૉકટર દ્વારા 27 તારીખ આપવામાં આવી હતી. એની જાણ ભાજપને અને અધિકારીને થતાં ષડયંત્ર કરીને જાણી જોઈને દિયોદરના ચૂંટણી અધિકારી, પ્રાંત કલેક્ટરે આ મિટીંગ મુલતવી રાખીને ભાજપને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

આ મુદ્દે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે, 'દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ દ્વારા સત્તાના જોરે ચૂંટણી રદ કરાવવાનો અને પ્રાંત અધિકારી દ્વારા નિષ્પક્ષતા છોડીને ભાજપના દબાણમાં કામ કરીને ભાજપના પટાવાળા ની જેમ કાર્ય કરે છે તે લોકશાહી મૂલ્યો અને જનમતનું અપમાન છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દે મૌન નહીં રહે. લોકશાહીના હનન અને જનતાના અધિકારો પર થતા આઘાત સામે કોંગ્રેસ પાર્ટી લોકશાહી અને બંધારણીય માર્ગે મજબૂત લડત લડશે. જનતાના મત અને બહુમતીનું સન્માન જળવાઈ રહે એ માટે સત્ય અને ન્યાયની લડાઈ અંત સુધી ચાલુ રહેશે.

આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખપદની ચૂંટણીમાં જ્યાં આદિવાસી (ST) અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલે ફોર્મ ભર્યું હતું. મૂળ મહારાષ્ટ્રના વતની હોવાના કારણે અન્ય રાજ્યના એસ.ટી. પ્રમાણપત્રના આધારે તેઓ ગુજરાતમાં આ અનામતનો લાભ મેળવવા પાત્ર ન હોવા છતાં સત્તાના જોરે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું, જેને આખરે ચૂંટણી અધિકારી (DDO) દ્વારા કાયદેસરની કાર્યવાહી નોંધીને રદ કરવાની ફરજ પડી હતી.